લાઠીના તાજપર ગામે મહિલા સ્વસહાય જૂથોનું ‘હેત મહિલા ક્લસ્ટર’ ફેડરેશન બન્યું આત્મનિર્ભર
સમગ્ર ગુજરાતમાં ‘વિશ્વાસથી વિકાસ’ યાત્રા અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. મિશન મંગલમ યોજનાએ મહિલાઓની આંતરિક શક્તિઓને ઉજાગર કરવાની સાથે તેમની આર્થિક ક્ષમતાઓમાં પણ ઉમેરો કરવાનું સપનું સાકાર કર્યુ છે. આ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોની રચના થાય છે અને રાજ્ય સરકારની સહાયથી જૂથની આર્થિક ક્ષમતાઓ વિકસી રહી છે. અમરેલી જિલ્લા કક્ષાનો સ્વસહાય જૂથોને ચેક વિતરણનો કાર્યક્રમ લીલીયા રોડ પર આવેલ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યમંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર.સી.મકવાણાના અધ્યક્ષસ્થાને સંપન્ન થયો.
આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના તાજપર મુકામે કાર્યરત ૧૧૭ મહિલા સ્વસહાય જૂથોના હેત મહિલા ક્લસ્ટર ફેડરેશનને મિશન મંગલમ યોજના અન્વયે કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ (ગ્રામ્ય) હેઠળ રૂ.૧ કરોડ ૭૫ લાખની રકમનો સહાય ચેક આપવામાં આવ્યો હતો. આ ફેડરેશનમાં ૧૧૦૦થી વધુ મહિલાઓ સામેલ છે જેના ૧૧૭ સ્વસહાય જૂથો બનેલ છે. આ મહિલા સ્વસહાય જૂથો સાથે મળીને હેન્ડીક્રાફ્ટની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ ઉપરાંત પશુપાલનની પ્રવૃત્તિ કરે છે. હેત મહિલા ક્લસ્ટર ફેડરેશનની તમામ આર્થિક પ્રવૃત્તિમાં લાઠી ટી.ડી.ઓશ્રી કે.કે.પટેલનું અવિરત માર્ગદર્શન રહ્યું છે. લાઠી તાલુકા લાઈવલીહુડ મેનેજર શ્રી મતી ઉષાબેન કે. નિમાવત પણ સક્રિય રીતે પોતાની ભૂમિકા આ ફેડરેશનને ડેવલપ કરવામાં નિભાવી રહ્યા છે. આજથી બે વર્ષ પૂર્વે એટલે કે, વર્ષ ૨૦૨૦માં આ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી હતી. આ મહિલા સ્વસહાય જૂથોના ફેડરેશને મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવામાં ખૂબ મોટી ભૂમિકા અદા કરી છે.
મિશન મંગલમ યોજનાએ મહિલાઓની આર્થિક ક્ષમતાઓને ડેવલપ કરવામાં ગેમ ચેન્જર તરીકેનો રોલ પ્લે કર્યો. આજે ગુજરાતની મહિલાઓને સ્વસહાયજૂથો થકી પોતાની ઈમેજ બિલ્ડ કરવાની તકો સાંપડી રહી છે. સમગ્ર ગુજરાતમાં ગુજરાત સરકારના સંનિષ્ઠ પ્રયાસો થકી મહિલા સશક્તિકરણનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે અને મહિલાઓ ઘરની દિવાલો ઓળંગીને પોતાની શક્તિઓનો પરિચય દુનિયાને કરાવી રહી છે. છે ને કમાલ ! જે મહિલાઓને આપણે ઘરની ગૃહીણી તરીકે પ્રસ્થાપિત કરી તે જ મહિલાઓ હવે આર્થિક જવાબદારીઓ સુપેરે નિભાવતી બની છે. સશક્ત બનીને સબળ બની છે, સદ્ધર બનીને નેતૃત્વ કરવા માટે તૈયાર થઈ રહી છે. સામાજિક ક્ષેત્રે ઉપરાંત હવે તો આર્થિક ક્ષેત્રમાં પણ મહિલાઓનો ડંકો વાગી રહ્યો છે.
આ છે મહિલાઓના આકાશી આત્મવિશ્વાસની કહાની….જે કહાની ખુદ મહિલાઓ જાતે જ લખી રહી છે. કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારે અનેક મહિલાલક્ષી યોજનાઓ થકી મહિલાઓને સશક્ત કરવા માટે સફળ પ્રયત્નો કર્યા છે. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી મહિલાઓ આગળ આવી અને નેતૃત્વ કરી શકે તે માટે સરકારે અનેક નિર્ણયો કર્યા છે,અનેક યોજનાઓની જાહેરાત નહીં પણ અમલ કરીને એ સાબિત કર્યું છે કે, મહિલાઓની દરકાર સરકાર લઈ રહી છે. સ્વસહાય જૂથો થકી મહિલાઓની સ્થિતિમાં તો બદલાવ આવ્યો જ છે પરંતું સાથે સાથે સમાજની માનસિકતા પણ બદલાઈ રહી છે કે, મહિલાઓ હવે પાછળ નહીં, સશક્ત બનીને આગળ વધી રહી છે.
Recent Comments