ગુજરાત

લાતી પ્લોટમાં મંડપ સર્વીસના ડેલામાં તસ્કરો ત્રાટક્યા

મોરબીમાં તસ્કરોનું સામ્રાજ્ય હવે ફેલાતું જાય છે. પહેલા રહેણાંક મકાનોને ટાર્ગેટ કર્યા બાદ હવે તસ્કરોએ દુકાન અને ગોડાઉનમાં ચોરીને અંજામ આપવાનું શરુ કર્યું છે. જ્યાં લાતી પ્લોટમાં આવેલા મંડપ સર્વીસના ડેલામાં રૂ. ૧.૬૮ લાખના મુદ્દામાલની ચોરી થયાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ થવા પામી છે. આ અંગે દુકાનના માલિક પ્રવીણ હંસરાજ રંગપરીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, લાતીપ્લોટ શેરીનં. ૨માં આવેલી તેમની શીવમંડપ સર્વીસ નામના ડેલામાં તા. ૨૮/૯/૨૦૨૨ના રાત્રીના તેમના કારીગર મહેન્દ્ર બીજી સાઇટ ઉપરથી કામ પરથી મંડપ સર્વીસએ આવતા હતા ત્યારે તેને પાછળનું શટર ખુલેલું નિહાળ્યું હતું.

જેથી તેણે પ્રવીણને જાણ કરી હતી અને પ્રવીણે દુકાને આવીને ચકાસતા નાની ખીલી ૧૮ બોક્ષ કિંમત રૂ.૫૪૦૦, નેટ ખીલ્લા ચાર ઇંચના ૧૦૦ કિલો કિંમત રૂ. ૯૦૦૦, નટબોલ ૪૫ કિલો તથા થાંભલા ખીલા ૨૦ કિલો મળી કિંમત રૂ. ૮૯૫૦, મોટા લોખંડના ખીલ્લા ૧૦ કિલો કિંમત રૂ.૧૦૦૦, ફેબ્રિકેશન ફ્રેમ ૨ કિંમત રૂ. ૧૦૦૦/-, સ્ટેન્ડ લોખંડના નંગ ૭૬ કિંમત રૂ. ૩૦,૪૦૦/-, ચુલા નંગ ૨ કિંમત રૂ. ૨૦૦૦, નાના સ્ટેન્ડ નંગ-૧૫ કિંમત રૂ.૬૦૦૦, લોખંડની ધાતુ નંગ ૯૪ કિંમત રૂ.૧૮,૪૦૦, ચોરસ ગોળ પાઇપ નંગ ૪૬ કિંમત રૂ. ૪૬૦૦, પાણી પાઇપ ફુવારાના નંગ ૨ કિંમત રૂ. ૨૦૦૦, મંડપના સળીયા નંગ ૫૦ કિંમત રૂ. ૨૫૦૦, લોખંડના ટેબલ નંગ ૪૩ કિંમત રૂ. ૬૪૫૦૦ અને સ્ટીલ સ્ટેન્ડ નંગ ૧૩ કિંમત રૂ.૧૩૦૦૦ મળી કુલ રૂ. ૧,૬૮,૭૫૦/-ના મુદ્દામાલની ચોરી થયાનું સામે આવ્યું હતું. તેમના મતે રાત્રીના તેમના મંડપ સર્વીસના ડેલામા કોઇએ પ્રવેશ કરી તાળાની ઓફીસમાંથી ચાવી શોધી શટર ખોલી નાખી તસ્કરી હતી. આ ફરિયાદીના આધારે પોલીસે આઇ.પી.સી કલમ. ૩૮૦,૪૫૭ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Posts