લારી-ગલ્લા-પાથરાવાળાઓ પાસેથી વહીવટી ચાર્જ બંધ કરવા કોંગ્રેસની માંગ
વડોદરા મહાનગરપાલિકા લારી-ગલ્લા અને પથારા ધારકો પાસેથી વહીવટી ચાર્જ વસૂલવાનું બંધ કરે અને રાત્રિ બજારમાં આવેલી દુકાનોના ભાડા માફ કરીને રાહત આપે તેવી માગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે કોંગ્રેસ સામાન્ય સભામાં દરખાસ્ત પણ રજૂ કરશે.
વડોદરા શહેર કોગ્રેસે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, એક તરફ કોરોના મહામારીના કારણે લોકડાઉન કરવામાં આવ્યું હતું. પરિણામે છેલ્લા દોઢ વર્ષથી લારી ગલ્લાવાળાના ધંધા બંધ હતા. લારી-ગલ્લાવાળાઓને બે ટાઇમ પોતાના પરિવારનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ થઇ ગયું હતુ અને બીજી બાજુ ગરીબ લારી-ગલ્લાવાળા પાસેથી પ્રતિમાસ રૂપિયા ૫૦૦થી રૂપિયા ૧૫૦૦ સુધી વહીવટી ચાર્જ લેવામાં આવે છે. વહીવટી ચાર્જ લેવા છતાં પણ લારી ગલ્લાવાળાને ધંધો કરવા માટે તે જગ્યાએ કોઇપણ જાતની સફાઇ કે ચોખ્ખાઇ હોતી નથી. આમ વહીવટી ચાર્જ લઇને લારી-ગલ્લાવાળા માટે દાઝ્યા પર ડામ આપવા જેવુ કહી શકાય.
વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો હુકમ હોવા છતાં અને સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરવાની સમય મર્યાદા ૨૦૧૫માં પૂર્ણ થઇ હોવા છતાં તેનો અમલ આજ દિવસ સુધી થયો નથી. શહેરના લારી-ગલ્લાવાળાનો સર્વે પણ થઇ ગયો છે. કમિટી પણ બની ગઇ છે, પરંતુ, હોકિંગ ઝોન આઈડેન્ટિફાઈ થયા નથી. જેથી આ વહીવટી ચાર્જ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ ન થાય ત્યાં સુધી લારી ગલ્લાવાળા પાસેથી વહીવટી ચાર્જ નહીં લેવા તેમજ લારી-ગલ્લાવાળાઓને જગ્યા ફાળવવાની વ્યવસ્થા કરવામાં આવે.
Recent Comments