fbpx
ગુજરાત

લાલપુરના હોટલનો સંચાલક ૧ કિલો ૭૦૦ ગ્રામ ગાંજા સાથે ઝડપાયો

જામનગરના લાલપુર તાલુકાના મેઘનું ગામના પાટીયા નજીક આવેલી હોટલ ભાડે ચલાવતા શખ્સને એસઓજીની ટીમે ૧ કિલો ૭૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે ૧૦ હજાર રોકડ કબ્જે કરી પિતા-પુત્ર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી હતી. હાલારમાંથી માદક પદાર્થોનો જથ્થો મળી આવવાની ઘટનાઓ અવિરત બનતી રહે છે. ખાસ કરીને દરિયા કિનારેથી અનેક વખત ડ્રગ્સ સહિતના મદક પદાર્થો મળી આવ્યાં હતા. ત્યારે આ માદક પદાર્થોની હેરાફેરી ડામવા માટે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ સતત એલર્ટ રહે છે. આ દરમિયાન લાલપુર તાલુકાના મેઘનું ગામના પાટીયા પાસે આવેલી રાજબીહારી નામની હોટલ ભાડે રાખીને સંચાલન કરતો મુળ બિહારના રોહતાસ જિલ્લાના સકલા ગામનો વતની શિવકુમાર કૈલાશ શાહ નામનો શખ્સ તેની હોટલમાં ગાંજાનું વેંચાણ કરતો હોવાની પોલીસને બાતમી મળી હતી.

જે આધારે પોલીસે રેડ કરીને હોટલમાંથી શિવકુમારને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે રૂા.૧૭,૦૦૦ ની કિંમતનો ૧ કિલો ૭૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો અને ૧૦ હજાર રોકડ તથા એક વજન કાંટો મળી કુલ રૂા.૨૭,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એસઓજીની ટીમે શિવકુમારની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા શિવકુમારે આ ગાંજાનો જથ્થો તેનો પુત્ર પિન્ટુકુમાર વેચાણ માટે લઇ આવ્યો હોવાની અને વેચાણ કરતા હોવાની કેફીયત આપી હતી. જેના આધારે એસઓજીની ટીમે પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. તેમજ નાશી ગયેલા પુત્રની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં અને વધુ તપાસ લાલપુર પીએસઆઈ એમ.એન.જાડેજા ચલાવી રહ્યા છે.

Follow Me:

Related Posts