લીંબડી શાકમાર્કેટમાં બે માસમાંથી આખલાઓએ છથી વધુ લોકોને ઘાયલ કર્યા

લીંબડી શાકમાર્કેટ માર્ગે રખડતા બિનવારસી પશુઓ અને મોટા માતેલ સાંઢ આંખલાઓ હવે રાહદારીઓ માટે વધુ ખતરનાક બની રહ્યા છે. બે માસમાં છથી વધુ લોકોને અડફટે લઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, તો ૯થી વધુ વાહનોનો આંખલાઓએ કચ્ચણઘાણ બોલાવ્યો હોવાની માહિતી મળી રહી છે.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે, શાકમાર્કેટના વેપારીઓ અને પાથરણા વાળાઓ બેદરકાર બની સડેલા ફળો-શાકભાજીના પાંદડાઓ અને કચરો જાહેર માર્ગો પર જ નાખી શહેરમાં સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડાડી રહ્યા છે. શાકભાજી અને સડેલા ફળોનો કચરો જાહેરમાં ફેંકાતા રખડતા પશુઓ અને આંખલાઓના ટોળેટોળાઓએ દિવસભર શાકમાર્કેટના બંને દરવાજે અડીંગો જમાવી દીધો હોય છે.
ફળો અને શાકભાજીનો કચરો ખાવા ભુંરાટા થતાં આંખલાઓ માર્ગો પર બેફાણ થઈ રાહદારીઓને અડફેટે લેવાના બનાવો હવે સામાન્ય બન્યા છે. લીંબડી શહેરમાં જાેવા જઈએ તો છેલ્લા બે માસ દરમિયાન આ રખડતા પશુઓએ ૬થી વધુ લોકોને અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયા છે, તો નવ જેટલા વાહનોને પણ નુકસાની પહોંચાડી છે.
શાકમાર્કેટના સ્થાનિક વેપારીઓ તેમના શાકભાજીનો કચરાનો જાહેરમાં નાખવાના બદલે યોગ્ય સ્થળે નિકાલ કરે તો આ સમસ્યા દૂર થઈ શકે છે. અને રખડતા ઢોરોને ડબ્બે પુરવા નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ લીંબડી નગરપાલિકા દ્વારા કોઈ જ પગલાં લેવામાં ન આવતાં શહેરીજનોમાં રોષ ફેલાયો છે. નગરપાલિકા તંત્ર શું તેમની કચરા ગાડીને શાકમાર્કેટ માર્ગે ચલાવી રોજીંદા કચરાનો નિકાલ કરાવશે એ તો હવે જાેવાનું જ રહ્યું.
Recent Comments