અમરેલી

લીલીયાનાં બવાડા ગામે વૃદ્ધ દંપતીની અજાણ્‍યા શખ્‍સોએ ચોરી-લૂંટની આશંકાએ હત્‍યા કરી

લીલીયા તાલુકાના બવાડા ગામે રહેતા એક વૃઘ્‍ધ દંપતીને કોઈ અજાણ્‍યા ઈસમોએ ચોરી અથવા તો લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસી વૃઘ્‍ધ દંપતીની કોઈ તિક્ષ્ણ હથિયારો વડે નિર્મમ હત્‍યા કરી નાંખ્‍યાની જાણ લીલીયા પોલીસનેથતાં જિલ્‍લા પોલીસ વડા એલ.સી.બી., એસ.ઓ.જી. લીલીયા પોલીસ સહિતનો સ્‍ટાફ ઘટના સ્‍થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ લીલીયા તાલુકાના બવાડા ગામે રહેતા અને ખેતી કામ કરતા ભીમજીભાઈ ભગવાનભાઈ દુધાત તથા તેમના પત્‍ની લાભુબેન ભીમજીભાઈ દુધાત નામના વૃઘ્‍ધ દંપતી ગત તા. 17ના  રાત્રીના સમયે પોતાના ઘરની ઓસરીમાં સૂતા હતા અને ગઈકાલે આખો દિવસ ઘરની બહાર જોવા ન મળતા પડોશીઓએ તપાસ કરતાં આ વૃઘ્‍ધ દંપતીના મકાનનો સરસામાન વેરવિખેર હાલતમાં હોય જેથી કંઈ અજુગતુ બન્‍યાની શંકાથી પ્રથમ તે જ ગામે રહેતા આ વૃઘ્‍ધ દંપતિના ભત્રીજાને જાણ કરી હતી અને બાદમાં તેઓએ આ અંગે લીલીયા પોલીસને જાણ કરવામાં આવતા લીલીયા પોલીસે આવી આજે તપાસ હાથ ધરતા આ વૃઘ્‍ધ દંપતીની કોઈ અજાણ્‍યા શખ્‍સોએ ચોરી અથવા લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસી નિર્મમ હત્‍યા કરાયાનું પ્રાથમિક તારણ જાણવા મળેલ છે.

આ બનાવની જાણ થતાં જિલ્‍લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્‍થળે પહોંચી જઈ બનાવ અંગે તપાસ હાથ ધરેલ છે.

Related Posts