લીલીયા બસ સ્ટેન્ડ નજીક આવેલ જના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું જર્જરીત થયેલ બિલ્ડીંગ પાડી તે સ્થળે અંદાજિત રૂા. 3 કરોડના ખર્ચે નવું તાલુકા પંચાયત બિલ્ડીંગનું નિર્માણ થવા જઈ રહયું છે. એવા સમયે માત્રને માત્ર રાજકીય જશ ખાટવાના મુદે ભાન ભૂલી રાજકીય આગેવાનોએ નિર્માણ થનાર તા.પં. બિલ્ડીંગનુંબે-બે વખત ખાતમુર્હૂત કરવામાં આવતા આ મુદો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામેલ છે.
નવનિર્મિત થવા જઈ રહેલ તા.પં. બિલ્ડીંગનું સૌ પ્રથમ ખાતમુર્હુત કોંગ્રેસી ધારાસભ્ય પ્રતાપ દુધાતના વરદ હસ્તે તા.17/7ના રોજ કરવામાં આવેલ. આ તકે કોંગ્રેસી આગેવાન બહાદુરભાઈ બેરા, ખોડાભાઈ માળવીયા, દકુભાઈ બુટાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી આગેવાન અને જિ.પં. બાંધકામ સમિતિના ચેરમેન પુનાભાઈ ગજેરાના વરદ હસ્તે તા.14/8ના રોજ ફરી તા.પં. બિલ્ડીંગ ખાતમુર્હુત કરવામાં આવેલ. આ તકે જિ.પં. શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલ દુધાત, જિ.પં. સદસ્ય જનક તળાવીયા, ભરતભાઈ સુતરીયા, તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, ભાજપ અગ્રણી ભીખાભાઈ ધોરાજીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ. આ મુદો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામેલ છે. હંમેશા હરખ પદુડા ગણાતા નેતાઓ પ્રસિઘ્ધિ મેળવવા ભાન ભૂલી જતા હોય છે તેવા સમયે નવનિર્મિત થઈ રહેલ બિલ્ડીંગ ગુણવતા સભર નિર્માણ પામે તેવી કોંગ્રેસ- ભાજપ આગેવાનો કાળજી લેય તેવું લોકો ઈચ્છી રહયા છે.

















Recent Comments