લુણાવાડામાં સીએમ યોગીએ વિજય વિશ્વાસ સંમેલનમાં સભાને સંબોધી
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે માત્ર થોડા દિવસો બાકી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો અને દિગગજ નેતાઓ ચૂંટણીની સભાઓ ગજવી રહ્યા છે અને રોડ શો યોજી પોતાના ઉમેદવારોને જીતાડવા પ્રચાર કરી રહ્યા છે. આજે ભાજપ દ્વારા લુણાવાડા અને બાલાસિનોર વિધાનસભાના ઉમેદવારોને જીતડવા પ્રચાર અર્થે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે વિજય વિશ્વાસ સંમેલન સંબોધી કોંગ્રેસ પર પ્રહારો કરી ભાજપને જીતાડવા અપીલ કરી હતી. લુણાવાડા ખાતેના ઇન્દિરા મેદાન ખાતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથ આજે વિજય વિશ્વાસ સંમેલનમાં પહોંચ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના બાલાસિનોર વિધાનસભાના ઉમેદવાર માનસિંહ ચૌહાણ અને લુણાવાડા વિધાનસભાના ઉમેદવાર જીજ્ઞેશ સેવકના સમર્થનમાં પ્રચાર અર્થે યોગીજીએ સભા સંબોધી હતી. જેમાં ભાજપને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી.
આ સાથે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સભા સંબોધતા જણાવ્યું હતું કે, હું મોદીજીની કર્મ ભૂમિ કાશીથી દેશના છોટા કાશીના રૂપમાં વિખ્યાત લુણાવાડામાં આવી તમારી સાથે વાત કરી રહ્યો છું, તે મારા માટે પ્રસન્નતાની વાત છે. વધુમાં તેઓએ તેમના ઉદબોધનમાં કોંગ્રેસને આડે હાથે લીધી હતી અને ભાજપે કરેલ વિકાસ કાર્યોની વાત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, ભારત દુનિયાની મોટી તાકાત બની રહ્યો છે. ૨૦૧૪ પહેલા કોંગ્રેસે દેશમાં અવિશ્વાસ, અરાજકતા અને ભ્રષ્ટાચારને ચરમ સીમા પર પહોંચાડ્યો હતો. કોરોનાના કાળમાં ભાજપે ફ્રીમાં લોકોને રાસન આપ્યું અને જાે કોંગ્રેસ હોત તો કઈ ન આપી શકત. વધુમાં જણાવતા, ભાજપની સરકાર આવશે તો આયુષ્યમાન કાર્ડ કે જે વર્ષે રૂ.૫ લાખનો વીમો કવર કરે છે, તે ૧૦ લાખનો કરવામાં આવશે. આ સાથે ભાજપના લુણાવાડા વિધાનસભાના ઉમેદવાર તેમજ બાલાસિનોર વિધાનસભાના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી.
Recent Comments