fbpx
રાષ્ટ્રીય

લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા ચૂંટણી પંચમાં બીજા બે સભ્યોની નિમણૂક કરાશે

લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ ચૂંટણી કમિશનર અરુણ ગોયલે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અગાઉ ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડે ગત ૧૪ ફેબ્રુઆરીએ સેવા નિવૃત્ત થયા હતા. હવે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર ચૂંટણી પંચના એકમાત્ર સભ્ય રહ્યાં છે. આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણી પહેલા સરકાર, પંચમાં ખાલી પડેલી બે કમિશનરની જગ્યા પર નિમણૂક કરવા જઈ રહી છે. સૂત્રોનું કહેવું છે કે આ બંને જગ્યાઓ ૧૫ માર્ચ સુધીમાં ભરવામાં આવશે. આ માટે પીએમ નરેન્દ્ર મોદી પસંદગી સમિતિની અધ્યક્ષતા કરી શકે છે.

ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેની નિવૃત્તિને કારણે અને અરુણ ગોયલના અચાનક રાજીનામાથી સર્જાયેલી બે ખાલી જગ્યાઓ ભરવા માટે, આગામી ૧૫ માર્ચ સુધીમાં બે ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોએ આજે રવિવારે આ માહિતી આપી હતી. ગોયલે ગત શુક્રવારે સવારે ચૂંટણી કમિશનર પદ પરથી રાજીનામું આપ્યું હતું, થોડા દિવસોમાં જ ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરે તેવી શક્યતા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે અરુણ ગોયલનું રાજીનામું સ્વીકારી લીધું હતું અને કાયદા મંત્રાલયે એક સૂચના જાહેર કરીને તેની સત્તાવાર જાહેરાત કરી હતી.

આ સાથે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર ચૂંટણી કેન્દ્રીય ચૂંટણી પંચના એકમાત્ર સભ્ય તરીકે બાકી રહ્યાં છે. ચૂંટણી કમિશનર પાંડે ગત ૧૪ ફેબ્રુઆરીએ નિવૃત્ત થયા હતા. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલની આગેવાની હેઠળની સર્ચ કમિટી પહેલા બંને પદ માટે પાંચ-પાંચ નામોની બે અલગ-અલગ પેનલ તૈયાર કરશે. આ સમિતિમાં ગૃહ સચિવ અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગના સચિવ પણ સામેલ હશે. બાદમાં, કેન્દ્રીય મંત્રી અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી સહિત વડા પ્રધાનની આગેવાની હેઠળની પસંદગી સમિતિ, ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક માટે બે વ્યક્તિનું નામ લેશે.

આ પછી રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે સભ્યોની સુવિધાના આધારે પસંદગી સમિતિ ૧૩ અથવા ૧૪ માર્ચે મળી શકે છે અને ૧૫ માર્ચ સુધીમાં નિમણૂંકો કરવામાં આવે તેવી શક્યતા છે. ચૂંટણી કમિશનર અરુણ ગોયલના રાજીનામા પાછળના કારણો અંગેના સવાલ પર સૂત્રોએ જણાવ્યું કે, તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોઈ શકે છે. ચૂંટણી કમિશનર અરુણ ગોયલ અને મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર વચ્ચેના અભિપ્રાયના મતભેદોની અટકળોને નકારી કાઢતા, સૂત્રોએ જણાવ્યું હતું કે આંતરિક સંદેશાવ્યવહાર અને ર્નિણયોના રેકોર્ડ્‌સ દર્શાવે છે કે અરુણ ગોયલ દ્વારા કોઈ મતભેદ નોંધવામાં આવ્યો ન હતો.

Follow Me:

Related Posts