ગુજરાત

લોકોના જાનમાલ અને આરોગ્યના રક્ષણની જવાબદારી સરકારની છે.- શક્તિસિંહ ગોહિલ

કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ૧૪ વ્યક્તિઓના ગણતરીના દિવસોમાં મૃત્યુ થયા છે.રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજથી ચાર દિવસ પહેલા મેં સરકારી તંત્રનું ધ્યાન દોર્યું હતું, જ્યારે આ રોગની શરૂઆત થઈ હતી. લોકો હોસ્પિટલમાં જવા લાગ્યા હતા અને બે મૃત્યુ થયા હતા કે તરત જ સરકારનું પણ ધ્યાન દોર્યું હતું,જવાબદાર અધિકારીઓનું પણ ધ્યાન દોર્યું હતું પરંતુ કોઈએ ગંભીરતા નહીં લેવાના કારણે ગણતરીના દિવસોમાં જ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ભેખડા, સાંધ્રો, મોરનગર, બેડી, ભારાવાન, વાલાવારી અને લાખાપાર ગામોમાં ૧૪ વ્યક્તિઓના મૃત્યુ થયા છે.

શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,માણસના જીવનથી વધારે કિંમતી બીજું કશું જ ન હોઈ શકે. દુઃખ એ વાતનું છે કે, ધ્યાન દોરવા છતાં, સ્થાનિક લોકોએ પણ વારંવાર કહેવા છતાં સરકારી તંત્રના પેટનું પાણીહાલ્યું નથી. એકપણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજુ સુધી લખપત તાલુકાના આ ગામોની મુલાકાત લીધી નથી. સરકારે ટીમો મોકલવી જોઈએ, બહારથી નિષ્ણાત ડોક્ટરો મોકલવા જોઈએ, લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએઅને માણસના મૃત્યુને અટકાવવા જોઈએ. ચોખ્ખું પીવાનું પાણી પણ હજી ત્યાં પહોંચી નથી રહ્યું, મચ્છરોનો અતિશય ઉપદ્રવ છે, જે પાઇપલાઇનમાં પાણી આવે છે તે પાણી પણ પીવાલાયક નથી, લોકો અશુદ્ધ અને ડહોળું પાણી પીવા મજબુર બન્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે

તેમાં પણ આયુષ ડોક્ટરો છે,એલોપથીના નિષ્ણાત ડોક્ટરોની જગ્યા ત્યાં ભરવામાં આવતી નથી. તાલુકાનું સીએચસી કેન્દ્ર છે ત્યાં પણ માત્ર એક ડોક્ટર છે. લોકોના જાનમાલ અને આરોગ્યના રક્ષણની જવાબદારી સરકારની છે, આ પ્રકારની બેદરકારી ન ચાલે. તાત્કાલિક જવાબદાર અને સિનિયર અધિકારીઓને સ્થળ પર મોકલવા જોઈએ અને પરિસ્થિતિને કાબુમાં લેવી જોઈએ. લોકોને તાવ આવે, શરદી ઉધરસ થાય અને થોડા જ કલાકોમાં તો ન્યુમોનિયા જેવી પરિસ્થિતિ થાય, શ્વાસ લેવાની તકલીફ થાય અને માણસોનામલ્ટી ઓર્ગન ફેલ્યોર થાય છે. યુવાનોના મૃત્યુ થાય છે, નાના બાળકોના મૃત્યુ થાય છે, ત્યારે આમાં બેદરકારી ન ચાલે.

લખપત તાલુકાના આ ગામોમાં તાત્કાલિક સિનિયર અધિકારીઓની ટીમ પહોંચે, આરોગ્ય વિભાગના નિષ્ણાત ડોક્ટરોની ટીમ આ દરેક ગામોમાં પહોંચે, શુદ્ધ પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે, મચ્છરોના ઉપદ્રવને અને રોગચાળાને તાત્કાલિક કાબુમાં લેવામાં આવે તેવી વિનંતી શ્રી શક્તિસિંહ ગોહિલે સરકારને કરી હતી.

Follow Me:

Related Posts