અમરેલી

લોકોને અનાજનો જથ્થો સમયસર અને સરળતાથી મળી રહે તે જ પ્રાથમિકતા – પ્રભારીમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

અમરેલી પ્રભારીમંત્રીશ્રીની અધ્યક્ષતામાં વિવિધ તાલુકાઓના પદાધિકારીઓ સાથે પુરવઠાના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજાઈ

અમરેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને તાલુકાઓના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશીકભાઈ વેકરીયા અને જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજનો જથ્થો સમયસર અને સરળતાથી મળી રહે તે આપણી પ્રાથમિકતા છે. જિલ્લાના લોકોને અનાજનો જથ્થો સરળતાથી ઉપલબ્ધ બને તે દિશામાં પ્રયત્નો કરવા પણ જરૂરી છે. સાથે જ જિલ્લામાં આવેલી વાજબી ભાવની દુકાનોમાં સમયાંતરે ચકાસણી કરવા અને ચાર્જમાં ચાલતી વાજબી ભાવની દુકાનો અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરી તેને નિયમીત કરવા પણ મંત્રીશ્રીએ જરૂરી સુચનાઓ આપી હતી.

આ બેઠકમાં તાલુકાના અગ્રણીઓએ પુરવઠા વિભાગને લગતા વ્યાજબી ભાવની દુકાનોના માલિકોના રાજીનામા, કેરોસીનની ફાળવણી, જે જે લોકોને કાર્ડ બંધ થયા હોય તેવા કાર્ડ તાત્કાલિક એક્ટિવ કરવા જેવા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા અને મંત્રીશ્રીએ આ તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા સબંધિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. આ છતાં પણ કોઈ ફરિયાદ બાકી રહેતી હોય તો જિલ્લા કલેક્ટરશ્રીને અને અંગરની શ્રી કૌશિક્ભાઈ વેકરીયાને લેખિતમાં ફરિયાદ કરવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ બેઠકમાં અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, સાવરકુંડલાના અગ્રણી શ્રી દીપકભાઈ માલાણી, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી સુરેશ પાથર, અધિક કલેક્ટર શ્રી વાળા, ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમના અધિકારીશ્રી તેમજ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રી તેમજ તેમજ ધારી, ખાંભા, બગસરાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts