અમરેલી

લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત તંત્ર દ્વારા અવનવા પ્રયોગો. 

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત અમરેલી જિલ્લામાં વધુમાં વધુ માત્રામાં મતદાન થાય તેના માટે ટર્નઆઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ અન્વયે સાવરકુંડલા ખાતે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા શહેરમાંથી પસાર થતી નાવલી નદીના મેદાન ખાતે મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ અન્વયે કબડ્ડી ટુર્નામેન્ટ યોજાઈ હતી  આ કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓએ મતદાન જાગૃત્તિનો સંદેશ પ્રસરાવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે ટર્નઆઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન અને ખર્ચ નોડલ તેમજ અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ કહ્યું કે, જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને નાગરિકોને મતદાન માટે જાગૃત્તિ આવે તે માટે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી મતદાન જાગૃત્તિ સંદેશ પ્રસરાવવામાં આવી રહ્યો છે.

આગામી તા.૭ મે, ૨૦૨૪ ને મંગળવારના રોજ મતદાન થશે.જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય નાગરિકો પોતે મતદાન કરે અને તે દરેક વ્યક્તિ પોતાના કુટુંબના સભ્યોને મતદાન કરવા પ્રેરણા આપે તેમજ પોતાના આસપાસના નાગરિકોને પણ મતદાન કરવા માટે અનુરોધ કરે. કબડ્ડી ટુર્નામેન્ટમાં સાવરકુંડલા હોમગાર્ડ, સાવરકુંડલા કોલેજ, સાવરકુંડલા શહેર અને વિવિધ શિક્ષકશ્રીઓની ટીમ વચ્ચે ૦૩ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, મદદનીશ ચૂંટણી.અધિકારી અને સાવરકુંડલા લીલીયા પ્રાંત અધિકારી શ્રી ભાલાળા, ટર્નઆઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન સહ નોડલ અધિકારશ્રી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કોટક, સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત જિલ્લા અને તાલુકા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓએ સિગ્નેચર કેમ્પેઈનમાં હસ્તાક્ષર કરી અને મતદાન જાગૃત્તિનો સંદેશ આપ્યો હતો.જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓ, કાર્યક્રમમાં વિવિધ ટીમના ખેલાડીઓ અને સાવરકુંડલાના શહેરીજનો  ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts