fbpx
અમરેલી

વંદે ગુજરાત વિકાસ યાત્રા” અંતર્ગત અમરેલી જિલ્લા આયોજન મંડળની વિવિધ યોજના તળે થયેલા વિકાસકાર્યોનું લોકાર્પણ

આઝાદીની ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે રાજય સરકાર દ્વારા “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં હરણફાળ ગતિએ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસકાર્યોને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે, મહત્વનું છે કે, “વંદે ગુજરાત વિકાસ યાત્રા” દરમિયાન રાજ્ય સરકારના વિવિધ ૧૮ જેટલા વિભાગોના સહયોગમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, મંજૂર થયેલા નવા કામ, જુદી-જુદી કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય, યોજનાઓનો પ્રચાર – પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્ય ગાથાઓ સહિતના લોકાભિમુખ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

             અમરેલી જિલ્લા આયોજન મંડળની લોકાર્પણ કાર્યોની યાદી મુજબ તા.૫ થી તા. ૧૯-જુલાઈ સુધી જિલ્લાના તમામ તાલુકામાં વિવિધ યોજના તળેના લોકાર્પણ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. જેમાં બાબરા તાલુકાના કુલ ૧૧ ગામોમાં કોઝ-વે, ભૂગર્ભ ગટર લાઈન, સી.સી.રોડ, પીવાના પાણીની પાઈપલાઈન સહિત કુલ રુ.૨૩ લાખથી વધુ રકમના કાર્યો પૂર્ણ થયા છે તેનું લોકાર્પણ થશે. બગસરા તાલુકાના કુલ ૬ ગામોમાં પુર સંરક્ષણ દીવાલ, કોઝ-વે, સી.સી રોડ સહિત કુલ રુ. ૯ લાખથી વધુ રકમના કામો પૂર્ણ થયા છે, તેનું લોકાર્પણ કરવામાં આવશે.અમરેલી તાલુકાના ૧૫ ગામોમાં સ્મશાનને કમ્પાઉન્ડ વોલ, માળખાકીય સુવિધા, ડ્રેનેજ ગટર સહિત કુલ રુ. ૪૩ લાખથી વધુની રકમના કાર્યો પૂર્ણ થયા, તે કાર્યોનું લોકાર્પણ થશે. સાવરકુંડલાના કુલ ૧૫ ગામોમાં રુ.૩૬ લાખથી વધુ રકમના કાર્યો પૂર્ણ થયાં, તેનું લોકાર્પણ થશે કુંકાવાવના ૭ ગામોમાં ૨૫ લાખથી વધુ રકમના કાર્યો પૂર્ણ થતાં તે વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે. લીલીયા તાલુકાના ૧૮ ગામોમાં રુ. ૪૦ લાખથી વધુ રકમના   વિકાસકાર્યો થતાં તેનું લોકાર્પણ થશે. જાફરાબાદ તાલુકાના ૮ ગામોમાં રુ. ૧૮ લાખથી વધુ રકમના પૂર્ણ થતાં તે વિકાસકાર્યોનું લોકાર્પણ થશે. ધારી તાલુકાના કુલ ૫ ગામોમાં ૧૫ લાખથી વધુ રકમના વિકાસકાર્યો થયા તેનું લોકાર્પણ થશે. લાઠી અને ખાંભાના ૭ ગામોમાં રુ. ૨૦ લાખથી વધુ રકમના  વિકાસકાર્યો સંપન્ન થયા તેનું લોકાર્પણ થશે.

આમ, અમરેલી જિલ્લાના ૯૩ ગામોમાં રુ.૨ કરોડ ૫૦ લાખથી વધુ રકમના ખર્ચે થયેલા વિકાસકાર્યોનું લોકાર્પણ થશે.

આ ઉપરાંત ૧૫માં નાણાપંચ તળેના પૂર્ણ થયેલ કાર્યોનો લોકાર્પણ કાર્યક્રમ પણ આ તકે યોજાશે. જેમાં અમરેલી જિલ્લાના તમામ તાલુકા, ગામ અને નગરપાલિકાઓમાં અંદાજે રુ.૬ કરોડથી વધુ રકમના વિકાસકાર્યોની નાગરિકોને ભેટ મળશે. આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી પ્રસંગે સમગ્ર ગુજરાત રાજ્યમાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા” અન્વયે વિકાસોત્સવની ઉજવણી કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે

Follow Me:

Related Posts