વકીલને નક્કી થયેલ ફી ચૂકવવામાં હાથ ઊંચા કરી મોતની ધમકી આપતા ચકચાર
સુરત સરથાણાના વકીલને નક્કી થયેલી ફી ચૂકવવામાં હાથ ઊંચા કરી મોતની ધમકી અપાતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. મળતી વિગતો પ્રમાણે સરથાણા-કામરેજ રોડ પર જય યોગેશ્વર સોસાયટીમાં રહેતા અજય નાનુભાઇ ઢોલરિયા (ઉ.વ.૩૦, મુળ સાવરકુંડવા, અમરેલી) વ્યવસાયે વકીલ છે. મીનીબજારમાં સહયોગ ચેમ્બર્સ ખાતે તેમની ઓફિસ આવેલી છે. ગત ૨૦૧૫-૧૬માં જમીનની મેટરમાં મહેશ બેચરભાઇ પટેલ (રહે- સનસીટી રોહાઉસ, કામરેજ) સાથે તેમનો પરિચય થયો હતો.
મહેશભાઇના પરિચિતો પણ જમીનની કાયદાકીય ગૂંચવણ અંગે સલાહ લેવા તેમની પાસે આવતા હતા. માંગરોળ ખાતે આવેલી મહેશભાઇની માલિકીની જમીનના ક્ષેત્રફળમાં ૧૯ ગૂંઠા જમીનનો ઘટાડો થઇ ગયો હતો. જે માટે કાનૂની સલાહ તથા સરકારી કચેરીઓમાં કાનૂની કાર્યવાહી માટે વકીલ તરીકે અજય ઢોલરિયાની નિમણૂંક કરી હતી. જેની ફી ૬ લાખ નક્કી થઇ હતી.
જમીનનો સક્ષણ અધિકારી સમક્ષ મુકાદમો ચલાવતા આખરી હૂકમ તેમની તરફેણમાં થયો હતો. જેથી અજયભાઇએ મહેશભાઇ પાસે વારંવાર ફીની માંગણી કરી હતી. જાેકે, મહેશભાઇ વાયદા કરી સમય પસાર કરતા હતા. ગત તા.૯મી એપ્રિલે તેઓ મિત્રો સાથે શ્યામધામ મંદિર પાસે મહશભાઇને રૂબરૂ મળી ફીની માંગ કરી હતી.
જાેકે, મહેશભાઇએ ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરી હતી. ત્યારબાદ *મારે દૂધનો તબેલો ચાલે છે, મારે ઘણાં ગુંડા સાથે દોસ્તી છે, થાય તે કરી લો, નહિતર જાનથી હાથ ધોવા પડશે * એવી ધમકી આપી હતી. વકીલ ઢોલરિયાએ ફરિયાદ આપતા સરથાણા પોલીસે મહેશ બેચર પટેલ (રહે- સનસીટી રોહાઉસ, કામરેજ) સામે ગુનો નોંધી તપાસ આદરી છે.
Recent Comments