fbpx
સૌરાષ્ટ - કચ્છ

વડાપ્રધાનના કાર્યક્રમમાં એસટી બસ ફાળવવામાં આવતા મુસાફરો રઝળ્યા : મોટાભાગના લોકલ રૂટ બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અને મુસાફરો રજળી પડ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમના કાર્યક્રમને લઇને એસટી વિભાગ દ્વારા બસોની ફાળવણી કરવામાં આવી છે. પોરબંદર એસટી વિભાગ દ્વારા ૩૦ જેટલી બસો ફાળવવામાં આવી છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના રૂટો બંધ થતા અનેક મુસાફરો તથા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે પણ ગુજરાતમાં કોઇ મોટા કાર્યક્રમનું આયોજન થાય છે ત્યારે એસટી વિભાગની બસો ફાળવવામાં આવે છે. જેના લીધે ગ્રામ્ય વિસ્તારના રૂટો ઉપર કાપ મુકાય છે. 
પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં પણ અન્ય જિલ્લાઓમાં પ્રવાસીઓ તેમજ મુસાફરો આવતા હોય છે. પરંતુ સરકારી કાર્યક્રમો દરમિયાન એસટી બસોની ફાળવણી કરી દેવામાં આવે છે જેના કારણે મુસાફરો રજળી પડે છે અને ખાનગી વાહનોમાં વધુ ભાડા ચુકવી અને મુસાફરી કરવી પડે છે. તાજેતરમાં માધવપુરના મેળામાં પણ બસોની ફાળવણી કરી દેવામાં આવી હતી. ત્યારબાદ હવે વડાપ્રધાન નેરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમના કાર્યક્રમને લઇને ત્રણ દિવસ સુધી પોરબંદર એસટી વિભાગે ૩૦ જેટલી બસ ફાળવી દીધી છે. જેથી પોરબંદરના બરડા અને ઘેડ પંથકના ગ્રામ્ય વિસ્તરોના રૂટ બંધ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી નિયમીત લોકો ખરીદી માટે પોરબંદર આવતા હોય છે. હાલ લગ્નગાળાની સિઝન હોવાથી ખરીદી માટે શહેરમાં ભારે ભીડ જોવા મળે છે તો બીજી તરફ કોલેજે અભ્યાસઅર્થે પણ વિદ્યાર્થીઓ નિયમીત આવે છે. હાલ પરીક્ષાનો સમય ચાલી રહ્યો છે ત્યારે એસટી બસ બંધ થતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી કાર્યક્રમો પાછળ બસ ફાળવી દેવામાં આવતા કોંગ્રેસના આગેવાનોએ પણ આ મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ક્યા કયા રૂટો બંધ થયા 
પોરબંદર-સતાધાર, હર્ષદ-દેવડિયા, ભાણવડ, ગરેજ, જૂનાગઢ, ભાણવડ નાઇટ, રાવલ, ખિરસરા, ગુંદા, ધુનાળા, શીશલી, પાદરડી સહિતના રૂટો કપાયા  છે. તેના કારણે આ ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

Follow Me:

Related Posts