ભાવનગર

વડાપ્રધાનના જન્મદિવસે ભાવનગર મેડિકલ કોલેજ ખાતે અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આજના જન્મદિવસના અવસરે ભાવનગર મેડિકલ કોલેજ ખાતે ’અંગદાન-મહાદાન’ ને લઇને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

        વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે ભાવનગર મેડિકલ કોલેજ તેમજ સિદ્ધિવિનાયક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંયુક્ત ક્રમે અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજીને અંગદાન અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

        દેશમાં અંગદાનની પ્રવૃતિ અંગે જાગૃતતા વધે તે માટે સરકાર સહિત કેટલીક સંસ્થાઓ વિવિધ કાર્યક્રમોના માધ્યમથી પ્રયત્નશીલ છે. જેનાં ભૂતકાળ કરેલાં જાગૃતિના કારણે સારા પરિણામો પણ સામે આવી રહ્યાં છે. જેના કારણે અંગોની રાહ જાઈને જીવી રહેલાં અનેક દર્દીઓમાં આશાનું એક કિરણ જોવાં મળી રહ્યું છે.

        અંગદાન અંગે સમાજમાં જાગૃતતા વધે તે હેતુથી સિવિલ હોસ્પિટલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે ભાવનગર ખાતે પણ સરકારી મેડિકલ કોલેજ તેમજ સર.ટી.જનરલ હોસ્પિટલ અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ, ભાવનગરના  સંયુક્ત ઉપક્રમે સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન અંગદાન જાગૃતતા કાર્યક્રમ અંતર્ગત રેલી યોજાઈ હતી. ત્યારબાદ નર્સિંગ કોલેજ / સર.ટી.જનરલ હોસ્પિટલ ખાતે અંગદાનના શપથ લેવડાવવામાં આવ્યાં હતાં.

        આ અંગે સર ટી હોસ્પિટલના અધિક્ષકશ્રી જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, માનવજીવન અમૂલ્ય છે. અંગદાન અંગે સમગ્ર દેશમાં જાગૃતિ ફેલાય તે આજના સમયની માંગ અને જરૂરીયાત છે.

        વાહન અકસ્માતમાં અનેક લોકો મૃત્યુ પામે છે. આવાં બ્રેઇનડેડ થયેલાં લોકોના અવયવો જો ઉપલબ્ધ થાય તો અનેક જરૂરીયાતવાળા લોકોમાં તે પ્રત્યારોપિત કરીને તેમને નવજીવન આપવાનું બહુમૂલ્ય કાર્ય કરી શકાય તેમ છે.

        અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યશ્રી જતિનભાઈ ઓઝાએ આ અંગે જણાવ્યું કે, ભાવનગર જિલ્લા અને શહેરમાં અંગદાન અંગે ધીમે-ધીમે જાગૃતિ આવી રહી છે. તાજેતરના સમયમાં ૪ થી ૫ અંગદાન ભાવનગરમાં થયાં છે. અનેક લોકો કે જેઓ આ અવયવોના અભાવમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે તેવાં લોકોને આવાં અંગ મળતાં ફાયદો થશે. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ છે અને તેવાં શુભ દિવસે આવાં સમાજ કલ્યાણનું કાર્ય થઇ રહ્યું છે તેનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. 

        સામાન્ય રીતે અંગદાન બે પ્રકારના હોય છે. એક, જીવિત અંગ દાન અને બીજું મૃત અંગ દાન.  જીવંત અંગોના દાનમાં, જીવંત વ્યક્તિ કિડની અને સ્વાદુપિંડનો અમૂક ભાગ દાન કરી શકાય છે. જ્યારે મૃત અંગદાનમાં મૃત વ્યક્તિ તેના ઘણાં અંગોનું દાન કરી શકે છે.  બ્રેઈન ડેડ લોકો માટે આ પ્રક્રિયા ઘણીવાર અપનાવવામાં આવતી હોય છે.

        અંગદાનમાં ૮ અંગોનો સમાવેશ થાય છે. જે દાન કરવામાં આવે છે.  મૃત વ્યક્તિનના કિડની, લીવર, ફેફસાં, હૃદય, સ્વાદુપિંડ અને આંતરડાનું દાન કરી શકાય છે.  વર્ષઃ  ૨૦૧૪ માં હાથ અને ચહેરાનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.  જો કોઈ જીવિત વ્યક્તિ ઈચ્છે તો તે એક કિડની, એક ફેફસા, લિવરનો કેટલોક ભાગ, સ્વાદુપિંડ અને આંતરડાનો કેટલોક ભાગ દાન કરીને અન્યનું જીવન બચાવી શકે છે.

        આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાં માટે કોલેજના વડાશ્રી અમિત પરમાર,  આર.એમ.ઓ. શ્રી તુષારભાઇ આદેશરા, ડો ચિન્મય, ડો દેવાંગ દેસાઈ, શ્રી સિદ્ધિવિનાયક ફાઉન્ડેશનના સભ્યો તેમજ જિલ્લાના કન્વીનરશ્રી અશિકભાઈ ઉલવા તેમજ સર ટી. હોસ્પિટલના તબીબો અને તબીબી વિદ્યાર્થીઓ અને સ્ટાફ જોડાયો હતો.

Follow Me:

Related Posts