દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાત રાજ્ય સમગ્ર દેશ અને દુનિયા માટે વિકાસના મોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે.દેશના વડાપ્રધાન બન્યા બાદ પણ ગુજરાત હંમેશા તેમના હૃદયમાં ધબકતું રહ્યું છે. તેમના યશસ્વી નેતૃત્વમાં અમૃતકાળમાં ગુજરાત વણથંભી વિકાસ યાત્રાનું સાક્ષી બન્યું છે, ત્યારે સૌરાષ્ટ્રને કરોડોના વિવિધ વિકાસ પ્રકલ્પની ભેટ આપવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમરેલી જિલ્લામાં લાઠી ખાતે પધાર્યા ત્યારે તેમને આવકારવા માટે ગુજરાતભરમાંથી માનવ મહેરામણ લાઠી ખાતે ઉમટ્યું હતું.સુરતથી વડાપ્રધાનશ્રીને સાંભળવા અને નિહાળવા સહ પરિવાર લાઠી આવેલા અન્નપૂર્ણાબેન ચૌહાણે હર્ષભેર જણાવ્યું હતું કે, અમે નરેન્દ્રભાઈ મોદીને જોવા ખાસ સુરતથી આખો પરિવાર લાઠી આવ્યા છીએ.
કોરોનાકાળ દરમિયાન નરેન્દ્રભાઈ મોદીએ લોકો માટે ઘણું સારું કામ કર્યું છે. મારા પતિને પણ કોરોના થઈ ગયો હતો, જ્યારે અમારી સાથે કોઈ ઉભું નહોતું ત્યારે આવી પરિસ્થિતિમાં સરકાર અમારી સાથે હતી. આરોગ્યની સારી સુવિધાઓ અને સરકારની સંવેદના થકી આજે મારા પતિ અમારી સાથે છે.મારી દીકરીના શિક્ષણ માટે પણ સરકાર દ્વારા સ્કોલરશીપ આપવામાં આવી છે. અમને સરકારે શક્ય તમામ સહકાર આપ્યો છે, અમે પણ હમેશાં સરકારને તમામ સહયોગ આપવા તત્પર છીએ.ગૌરવવંતા ગુજરાત માટે કહેવાયું છે કે, “ગુજરાત છે અમૃતધારા, ગુજરાતી સૌથી ન્યારા” ! ગુજરાતની ધરતી નિરાળી છે અને એથી પણ નિરાળી છે અહીંની માટી જેણે અનેક વીર સપૂતો દેશ- દુનિયાને આપ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાતની ભૂમિના આવા જ એક સપૂત છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની લોક ચાહનાના કારણે ગુજરાતના ખૂણે ખૂણામાંથી લોકો તેમને નિહાળવા માટે અમરેલીના લાઠી ખાતે ઉમટ્યા હતા અને તેમની એક ઝલક નિહાળવા માટે લોકો તલપાપડ થઈ રહ્યા હતા.
Recent Comments