fbpx
ભાવનગર

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં હસ્તે “પ્રધાનમંત્રી કેર ફોર ચિલ્ડ્રન યોજના”નું વીડિયો કોન્ફરન્સથી લોંચીગ કરાવામાં આવ્યું

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજરોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કેર ફોર ચિલ્ડ્રન યોજનાનું લોંચિંગ કરવામાં આવ્યું હતું. આ તકે ભાવનગર કલેકટર કચેરીનાં વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગૂડેનાં અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ યોજના હેઠળ મંજૂર થયેલ ભાવનગર જિલ્લાનાં ૫ લાભાર્થી બાળકોને કલેકટરશ્રી દ્વારા કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાનશ્રીનો બાળકોને નામ સ્નેહપત્ર, કલેકટરશ્રીનું સર્ટિફિકેટ, PMJAY કાર્ડ, સ્કૂલ બેગ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીશ્રી દ્વારા તા.૨૯-૦૫-૨૦૨૧ નાં રોજથી પ્રધાનમંત્રી કેર ફોર ચિલ્ડ્રન યોજનાનું અનાવરણ કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૧૧-૦૩-૨૦૨૦ પછી કોરોના સંક્રમણથી માતા-પિતા બંને અથવા એવા બાળકો જેનાં માતા/પિતા પૈકી કોઈ એકનું અવસાન પહેલા થયું હોય અને હાલનાં હયાત વાલીનું કોરોનામાં અવસાન થયું હોય અથવા કાયદાકીય વાલી અથવા એવા વાલી જેમણે બાળક દત્તક લીધું હોય તે વાલીનું અવસાન કોરોનાથી થયું હોય તેવા અનાથ થયેલા બાળકોના નાણાંકિય, શૈક્ષણીક, આરોગ્ય, કાયદાકીય, વર્ધનના હેતુસર પ્રધાનમંત્રીશ્રી દ્વારા ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા PM CARE for Children Scheme જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ ૨૩ વર્ષની વય સુધીના બાળકોને નાણાકીય સહયોગ આપવામાં આવશે. જેમાં શિક્ષણ, આરોગ્ય માટે ૧૮ વર્ષની વય સુધી રૂ.૧૦ લાખ સુધીનું  સ્ટાઈપેન્ડ મળશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે પોતાનો બાળકો પ્રત્યેનો સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, દેશભરમાં અનાથ થયેલા બાળકોની મદદ અને તેમના સર્વાંગી વિકાસ સરકાર હંમેશા તત્પર છે. કોરોનામાં વાલીની છત્રછાયા ગુમાવનાર બાળકોને સરકાર તરફથી મળતી સહાય, મુખ્યમંત્રી બાળસેવા યોજના અંતર્ગત ૨૩ વર્ષની વય સુધી માસિક રૂ.૪,૦૦૦ ની સહાય અથવા પાલક માતાપિતા યોજના અંતર્ગત ૧૮ વર્ષની વય સુધી માસિક રૂ.૨,૦૦૦ સહાય, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ મુજબ અગ્રતા ધરાવતા કુટુંબોમાં સમાવેશ કરવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સાથે પોસ્ટમાં બાળકોનાં સંયુક્ત ખાતા ખોલાવવા તથા પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના અન્વયે માસિક/વાર્ષિક ગણતરીનાં આધારે વયમર્યાદા ધ્યાને રાખી રૂ.૧૦ લાખ સુધીની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત Ex-gratia સહાય અંતર્ગત બાળકોને ૫૦ હજારની સહાય આપવામાં આવશે તેમજ બાળકો માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત PMJAY કાર્ડ આપવામાં આવ્યું હતું.

આ તકે કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત બાળકો સાથે કલેક્ટરશ્રી યોગેશ નિરગૂડેએ સંવાદ કરી ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી અંગે માર્ગદર્શન આપી બાળકોને પ્રોત્સાહિત કર્યાં હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે, બાળ કલ્યાણ સમિતિનાં ચેરમેનશ્રી ઉપેન્દ્રસિંહ ડોડીયા, બાળ કલ્યાણ સમિતિનાં સભ્યશ્રીઓ, જુવેનાઇલ જસ્ટીસ બોર્ડનાં સભ્યશ્રીઓ, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.જે.પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા બાળ કલ્યાણ અધિકારીશ્રી સહિતનાં પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ તેમજ ૫ બાળકો અને તેમના વાલીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

Follow Me:

Related Posts