વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ એપ્રિલે આવશે ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૭ એપ્રિલના રોજ ગુજરાત પ્રવાસે આવી રહેલા છે. સૌરાષ્ટ્ર-તામિલ સંગમ એક ભારત-શ્રેષ્ઠ ભારતનો મહાસંગમ બનાવવાના આયોજન કાર્યક્રમમાં વડાપ્રધાન હાજરી આપવાના છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષે સંઘવી, સહકાર રાજ્ય મંત્રી જગદીશ પંચાલ, મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જાેષી તેમજ સૌરાષ્ટ્ર તામિલ સંગમ કાર્યક્રમ સાથે સંકળાયેલા વિભાગોના વરિષ્ઠ સચિવો હાજર રહ્યા હતા. આગામી ૧૭થી ૩૦ એપ્રિલ દરમ્યાન સોમનાથ તીર્થ ક્ષેત્રના સાનિધ્યે ઉજવાશે.
સૌરાષ્ટ્ર તામિલ સંગમની તૈયારીઓ અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં તામિલનાડુથી આવનારા ભાવિકોને સોમનાથ-દ્વારિકા સાથે સરદાર સાહેબની વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાતે લઇ જવા સહિતના આયોજનોને આખરી ઓપ અપાયો હતો. તો સાથે જ તામિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રવાસીઓ-તામિલનાડુના ભાવિકો મદુરાઇથી વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ આવશે. સોમનાથમાં શોપિંગ ફેસ્ટિવલ-પારંપારિક રમતોનું આયોજન થશે વ્યાપાર ઉદ્યોગ-શિક્ષણ-યુવા પ્રવૃત્તિ અને કલા સંસ્કૃતિ વિષયક સેમિનાર દ્વારા ગુજરાતની સર્વાંગી વિકાસ ગાથા પ્રસ્તુત કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની એક ભારત-શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરતા સૌરાષ્ટ્ર તામિલ સંગમના આયોજનની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં આયોજિત ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી. સદીઓ પહેલા પોતાના વતન-સૌરાષ્ટ્રથી હિજરત કરીને તામિલનાડુમાં વસેલા સૌરાષ્ટ્રવાસીઓના સમુદાયે પોતાની મૂળ માતૃભૂમિ સાથે જાેડાયેલા રહિને સાંસ્કૃતિક ઐક્ય, રાષ્ટ્રિય એકાત્મતા અને ભાવાત્મક એકતાનું વિરલ દ્રષ્ટાંત પુરૂં પાડયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇએ આ ઐતિહાસિક અને રાષ્ટ્રિય એકતાને પ્રેરક ઘટનાનું મહાત્મ્ય પૂનઃ ઊજાગર કરવા આ સૌરાષ્ટ્ર તામિલ સંગમના સમગ્ર આયોજનનો વિચાર આપેલો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના મંત્રાલયો સાથે સંકલનમાં રહીને વડાપ્રધાનની સંકલ્પનાને સાકાર કરવા આ સૌરાષ્ટ્ર તામિલ સંગમને એક ભારત-શ્રેષ્ઠ ભારતના મહાસંગમ તરીકે ઉજવવાનું સમયબદ્ધ અને વિસ્તૃત આયોજન કર્યુ છે. આ સમગ્ર આયોજનની ઝિણવટપૂર્વક ચર્ચા-વિચારણા અને વધુ સુદ્રઢ કાર્યઆયોજન માટે મુખ્યમંત્રીએ આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ કુટિર ઉદ્યોગ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ રાજકુમારની ઉપસ્થિતીમાં આ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ સમગ્ર કાર્ય આયોજનમાં રાજ્ય સરકારનો પ્રવાસન વિભાગ નોડલ એજન્સી તરીકે તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને અન્ય વિભાગો સહઆયોજક તરીકે કાર્યરત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પ્રવાસન સચિવશ્રી હારિત શુકલાએ પ્રેઝન્ટેશન દ્વારા આ સૌરાષ્ટ્ર તામિલ સંગમની વિસ્તૃત ભૂમિકા આપી હતી. તા.૧૭થી ૩૦ એપ્રિલ દરમ્યાન સોમનાથ તીર્થક્ષેત્રમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે. તેમાં સહભાગી થવા અને ભગવાન સોમનાથ સહિત દ્વારિકાધીશના દર્શનનો લાભ લેવા મદુરાઇથી તા.૧૪ એપ્રિલથી વિશેષ ટ્રેન રવાના થવાની શરૂઆત થવાની છે. આ વિશેષ ટ્રેન મારફત અંદાજે ૨૫૦થી ૩૦૦ વ્યક્તિઓની એક-એક બેચ ગુજરાત આવશે. સોમનાથ આવનારા આ સૌ યાત્રિકો માટે સોમનાથ મહાદેવના સામૂહિક દર્શન-પૂજન, લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નિદર્શન ઉપરાંત હેન્ડલૂમ અને હેન્ડીક્રાફાટ એક્સ્પો-શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
સમુદ્રકિનારે કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, વોલીબોલ જેવી મનોરંજક અને પારંપારિક રમતો પણ યોજાવાની છે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારના શિક્ષણ, ઉદ્યોગ, યુવાપ્રવૃત્તિ અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા થીમ સેમિનાર યોજીને ગુજરાતની આ બધા જ ક્ષેત્રોની સર્વાંગી વિકાસ યાત્રાથી સૌરાષ્ટ્ર-તામિલ સંગમમાં સહભાગી પ્રવાસીઓને માહિતગાર કરવામાં આવશે. એટલું જ નહિ, યુવા ખેલાડીઓ, ઉદ્યોગ વેપાર જગત સાથે સંકળાયેલા વ્યવસાયિકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સાથે સંબંધિત વિષયો પર પરસ્પર ચર્ચાઓ અને વૈચારિક આદાન-પ્રદાન પણ કરાશે.
સૌરાષ્ટ્ર-તામિલ સંગમમાં સહભાગી થનારા લોકોને સોમનાથ મહાદેવ ઉપરાંત દ્વારિકાધીશ મંદિર, નાગેશ્વર, શિવરાજપૂર બીચ ના પ્રવાસે પણ લઇ જવાનું આયોજન કરવામાં આવેલું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી જેનું નિર્માણ થયું છે તે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાતે પણ આ પ્રવાસીઓને લઇ જવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સૌરાષ્ટ્ર તામિલ સંગમ એક ભારત-શ્રેષ્ઠ ભારત શ્રેષ્ઠ ભારતનો મહાસંગમ બની રહે તેવા વ્યાપક ફલકના કાર્યઆયોજન માટે બેઠકમાં માર્ગદર્શક સૂચનો પણ કર્યા હતા.
Recent Comments