વડાપ્રધાન મોદી આજે ૨૧ હજાર કરોડની પરિયોજનાઓનું ઉદ્ઘાટન, શિલાન્યાસ કરશે
પીએમ મોદી વડોદરામાં ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેશે અને ૨૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના અનેક પ્રોજેક્ટનુ ઉદ્ઘાટન કરશે અને કેટલાકનો શિલાન્યાસ કરશે. ત્યારપછી તેઓ ‘હેરીટેજ વન’ની મુલાકાત લેશે. વડાપ્રધાન રૂ. ૧૬,૦૦૦ કરોડથી વધુના મૂલ્યની વિવિધ રેલવે પરિયોજનાઓનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેમાં ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરના ૩૫૭ કિમી લાંબા ન્યૂ પાલનપુર સેક્શનનુ દેશને સમર્પણ, ૧૬૬ કિમી અમદાવાદ-બોટાદ સેક્શનનુ ગેજ કન્વર્ઝન, ૮૧ કિમી લાંબા પાલનપુર-મીઠા સેક્શનનુ વિદ્યુતીકરણ શામેલ છે. વડાપ્રધાન સુરત, ઉધના અને સોમનાથના પુનઃવિકાસ માટે શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પીએમ મોદી કુલ ૧.૩૮ લાખ મકાનો લાભાર્થીઓને સમર્પિત કરશે. જેમાં શહેરી વિસ્તારોમાં રૂ. ૧,૮૦૦ કરોડ અને ગ્રામીણ વિસ્તારોમાં રૂ. ૧,૫૩૦ કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવેલા મકાનોનો સમાવેશ થાય છે. તેમજ ૩૧૦ કરોડથી વધુની કિંમતના લગભગ ૩૦૦૦ મકાનોના મુહૂર્ત પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને પંચમહાલમાં રૂ. ૬૮૦ કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેમનો હેતુ વિસ્તારના લોકો માટે જીવન સરળ બનાવવાનો છે. આ ઉપરાંત પીએમ ગુજરાતના ડભોઈ તાલુકાના કુંડેલા ગામમાં ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનો શિલાન્યાસ પણ કરશે. તે વડોદરા શહેરથી લગભગ ૨૦ કિમી દૂર આવેલુ છે. આ યુનિવર્સિટીનુ નિર્માણ આશરે રૂ. ૪૨૫ કરોડના ખર્ચે કરવામાં આવશે અને તે ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓની ઉચ્ચ શિક્ષણની જરૂરિયાતો પૂરી કરશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ૧૭ જૂને બે દિવસીય પ્રવાસે પોતાના ગૃહ રાજ્ય ગુજરાત આવી રહ્યા છે. તેઓ અહીં ૨૧,૦૦૦ કરોડ રુપિયાની વિકાસ પરિયોજનાઓનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ અંગેની માહિતી પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ) તરફથી ગુરુવારે એક નિવેદન જાહેર કરીને આપવામાં આવી છે. પીએમઓના જણાવ્યા મુજબ પીએમ મોદી ૧૮ જૂને પાવાગઢમાં પુનર્વિકસિત શ્રી કાલિકા માતા મંદિરનુ ઉદ્ઘાટન કરશે.
Recent Comments