વડાપ્રધાન સરદારધામ ફેઝ-૨નું ઈ-લોકાર્પણ કરશે
સરદારધામમાં ૮૦૦ દીકરાઓ અને ૮૦૦ દીકરીઓ માટે અલગ-અલગ છાત્રાલય છે. ૧૦૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની ઈ-લાઈબ્રેરી, પુસ્તકાલય અને વાંચનાલયની સુવિધા છે. સરદારધામમાં ૪૫૦ વ્યક્તિઓની ક્ષમતાનું ઓડીટોરીયમ અને ૧૦૦૦-૧૦૦૦ વ્યક્તિઓની ક્ષમતા સાથેના ૨ હોલ પણ છે. સમાજ ઉત્થાનની અલગ અલગ મહેસૂલી માર્ગદર્શન, કાનુની માર્ગદર્શન, સમાજ સુરક્ષા વિગેરે પ્રવૃત્તિઓ માટે ૮થી વધુ કાર્યાલયો પણ કાર્યરત રહેશે અને આ સંકુલ પ્રવેશ દ્વારમાં સરદાર સાહેબની ૫૦ ફૂટ ઉંચી કાંસ્યની વિશાળ પ્રતિમા ૩.૫૦ કરોડના ખર્ચે સ્થાપિત કરવામાં આવી છે. અમદાવાદ શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસેના એસપી રીંગ રોડ પર પાટીદાર સમાજ દ્વારા અંદાજીત રૃ.૨૦૦ કરોડના ખર્ચે ૧૧,૬૭૦ સ્ક્વેર મિટરના પ્લોટમાં આશરે ૭ લાખ સ્ક્વેર ફૂટના બાંધકામ સાથે સરદારધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે સરદારધામ ફેઝ-૨ અંતર્ગત રૃ.૨૦૦ કરોડના ખર્ચે ૨૫૦૦ દીકરીઓ માટે કન્યા છાત્રાલય અને સરદાર ભવન બનાવવામાં આવશે.
નવનિર્મિત સરદારધામ ભવનના ઈ-લોકાર્પણ અને કન્યા છાત્રાલયનું ઈ-ભૂમિપૂજન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા.૧૧ના રોજ થશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા, મંત્રીમંડળના સભ્યો તેમજ સરદારધામના ભવનદાતાઓ, ભુમિદાતાઓ અને ટ્રસ્ટીઓની સરદારધામ ખાતે ઉપસ્થિતિ રહેશે.
Recent Comments