વડાલી પોલીસ સ્ટેશનમાં ATM માંથી ચોરી મુદ્દે ફરિયાદ, પોલીસે બેંક મેનેજરો સાથે બેઠક યોજી
વડાલીમાં ડોભાડા ચાર રસ્તે ખાનગી કંપનીના એટીએમમાંથી રૂ. ૨૨હજારથી વધુ રોકડની ચોરી થયા અંગેની વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ટોળકીને પકડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ખેડબ્રહ્મા પોલીસે પણ બેંક મેનેજરો સાથે બેઠક યોજી હતી. આ અંગેની વિગત એવી છે વડાલીના એસબીઆઈ એટીએમમાં રૂ. ૧૧.૮૯ લાખ અને ઇડરની આઈડીએફસી ફર્સ્ટ બેંકના એટીએમમાં રૂ. ૮.૨૩ લાખની ચોરી થઇ હતી. વડાલીના ડોભાડા ચાર રસ્તે હિટાચી કંપનીના એટીએમમાંથી અજાણ્યા ત્રણ થી ચાર ઇસમો સફેદ કલરની કારમાં આવી એટીએમનો દરવાજાે ખોલી એટીએમ મશીનને કોઈપણ રીતે તોડીને રૂ. ૨૨ હજારથી વધુની રોકડ ૪ નંગ કેસેટની ચોરી કરી લઇ ગયા હતા. આ અંગે રાજેશકુમાર શર્માએ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વડાલીમાં રાત્રી દરમ્યાન બે એટીએમ મશીન અને ઇડરમાં એક એટીએમને નિશાન બનાવી ગેસ કટર વડે કાપી લાખો રૂપિયાની મતાની ચોરી કરી ચોર ટોળકી પોલીસને હાથ તાળી આપી પલાયન થઈ ગઈ હતી.
જેને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. તો એલસીબી અને એસઓજી, ઇડર અને વડાલી પોલીસ દ્વારા ચોર ટોળકીને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જેમાં મળતી માહિતી મુજબ વડાલી પોલીસ સ્ટેશન પીએસઆઈ એન. આર. ઉમટના જણાવ્યા અનુસાર હાલમાં એટીએમ મશીનમાં ચોરી બાબતે પોલીસ દ્વારા રાત્રીના સમયે સઘન અને દિવસ દરમ્યાન પોલીસ પેટ્રોલિંગ કર્યું હતું. વાહન ચેકીંગ કરી હ્યુમન સોર્સ તેમજ ટેક્નિકલ સર્વેલન્સની મદદ લઇ એલસીબી અને એસઓજીની ટીમો સાથે રાખી આ પ્રકારની વર્તણૂકમાં પૂર્વ ઇતિહાસ ધરાવતા આરોપીઓની સ્થળ સ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૭૦થી વધુ ફૂટેજ તપાસવામાં આવ્યા છે તો સફેદ કલરની કારને ધ્યાને રાખી તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
એટીએમમાં ચોરીના બનાવોને લઈને સાંજે ખેડબ્રહ્મા પોલીસે પણ દરેક એટીએમમાં જઇને સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. આ ઉપરાંત બેન્ક મેનેજરો સાથે બેઠક યોજી સીક્યુરીટી ગાર્ડ, સીસીટીવી કેમેરા સહિતના મામલે બેન્ક મેનેજરોને ખેડબ્રહ્મા પીએસઆઈ દ્વારા જરૂરી માર્ગદર્શન પહોંચાડવામાં આવ્યુ હતું. આ અંગે ખેડબ્રહ્મા પીએસઆઈ જે. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, ખેડબ્રહ્મામાં આઠ બેન્કના મેનેજરોને બોલાવવામાં આવ્યા હતા અને નગરમાં આવેલા ૧૪ જેટલા એટીએમ પર ગાર્ડ મુકવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત એટીએમ સિક્યોરીટીના એલર્ટ મેસેજને જાણ થાય તો તાત્કાલિક પોલીસને પણ જાણ કરવા જણાવાયું છે.
Recent Comments