અમરેલી

વડિયા – કુંકાવાવને ઉચ્ચ શિક્ષણ માટે વિનિયન, વાણિજ્ય અને સાયન્સ પ્રવાહની સરકારી કોલેજની અણમોલ ભેટ આપતા ધારાસભ્ય કૌશિક વેકરિયા.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોલેજની મંજૂરીનો ઠરાવ થતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉચ્ચ શિક્ષણમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાનો આભાર માનતા કૌશિક વેકરિયા.

અમરેલી જિલ્લાના વડિયા- કુંકાવાવ તાલુકામાં ઉચ્ચશિક્ષણ માટેની કોઈ કૉલેજ ન હોવાથી આ વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણ મેળવવા માટે ખૂબ જ મુશ્કેલી પડતી હતી. વડિયા – કુંકાવાવ માટે ઉચ્ચ શિક્ષણનો આ વર્ષો જૂનો પ્રશ્ન હતો. જેને ઉકેલવા અને વિદ્યાર્થીઓ અને વાલીઓને પડતી હાલાકીના નિવારણ માટે વડિયા ખાતે સરકારી કોલેજ મળે તે માટે આ વિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્યદંડક કૌશિક વેકરિયાએ કમર કસી હતી.

રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈને ધારાસભ્યએ વિસ્તારને વિનિયન, વાણિજ્ય અને સાયન્સ પ્રવાહની કૉલેજ મળે તે માટે ભારપૂર્વક રજૂઆત કરી હતી. જેનાં પગલે વર્ષ 2024-25 ના અંદાજપત્રની જોગવાઈ મુજબ રાજ્યમાં કુલ 8 કોલેજને શિક્ષણ વિભાગના તા.21 નવેમ્બર 2024 ના ઠરાવથી મંજૂરી આપવામાં આવેલ છે. જે પૈકી બિન આદિજાતી વિસ્તારની મંજૂર થયેલ 4 કોલેજોમાં વડિયા ખાતેની સરકારી કોલેજનો સમાવેશ કરવામાં આવેલ છે.

આ કૉલેજ માટે આચાર્ય-1, આસિ. પ્રોફેસર -4, ગ્રંથપાલ -1, જુનિયર ક્લાર્ક -1 અને પટ્ટાવાળાની 1 જગા મળી કુલ 8 જગાઓની પણ મંજૂરી મળતાં આગામી સમયમાં વડિયા ખાતે વિનિયન, વાણિજ્ય અને વિજ્ઞાનપ્રવાહની કૉલેજ કાર્યરત થશે. જેનો સીધો લાભ આ વિસ્તારના ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા વિધાર્થીઓને મળશે.

Related Posts