ગુજરાત

વડોદરાનાં આજવા રોડ ઉપર એક યુવતી સાથે વાત કરવાના બહને મારામારી કરી

આજવા રોડ એકતા નગરમાં યુવતી સાથે વાતચીત કરવાના મુદ્દે હુમલાખોરે એક યુવકના ઘરે જઇ ધમકી આપી ચપ્પુથી હુમલો કર્યો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આજવા રોડ એકતા નગરમાં રહેતી મહિલાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૨૩ મી ના રોજ રાતે સાડા દશ વાગ્યે હું મારા ઘરે એકલી હતી અને રસોઇ બનાવતી હતી. તે સમયે એકતા નગરમાં રહેતો સહેબાજ અમારા ઘરની બહાર પાર્ક કરેલા અમારી બાઇકને પથ્થર મારતો હતો. તેનો અવાજ સાંભળીને હું ઘરની બહાર આવી હતી.

તેણે મને કહ્યું કે, હું જે છોકરી સાથે વાત કરૃં છું. તે છોકરી સાથે તારો દીકરો કેમ વાત કરે છે. તેવો શક રાખી સહેબાજ એકદમ ઉશ્કેરાઇને મને ગાળો બોલવા લાગ્યો હતો. તેણે કમરના ભાગેથી ચપ્પુ કાઢી મને ધમકી આપી હતી કે, હું તને તથા તારા દીકરાને જાનથી મારી નાંખીશ. હું ગભરાઇને ઘરમાં જતી રહી હતી. અમારા પાડોશમાં રહેતા ભરતભાઇ પણ અવાજ સાંભળીને બહાર આવી ગયા હતા. તેમણે સહેબાજને કહ્યું કે, તું કેમ વાહનોને પથ્થર મારે છે ? સહેબાજે ઉશ્કેરાઇને તેઓ પર પણ ચપ્પુથી હુમલો કરી નાક પર ઇજા પહોંચાડી હતી. દરમિયાન લોકો ભેગા થઇ જતા હુમલાખોર ભાગી ગયો હતો.

Related Posts