વડોદરાનાં પૂર્વ વિસ્તારમાં ૧૫ કલાકથી વધારે વરસાદી પાણી નહીં ઉતરતા લોકોમાં ભારે રોષ
વડોદરા શહેરનો પૂર્વ વિસ્તારમાંથી ચેરમેન, ડે. મેયર જેવા મહત્વના હોદ્દા પર ભાજપના કોર્પોરેટરો રહી ચૂક્યા છે. હાલમાં પણ મેયર અને ચેરમેન પૂર્વ વિસ્તારના છે. રાત દિવસ મહેનત કરી લોકોના ઘર સુધી પહોંચી ભાજપ તરફી મતદાન કરાવતા ભાજપના કાર્યકરો પણ હવે વરસાદી પાણીના ભરાવાના કારણે ત્રાસી ગયા છે. વોર્ડ – ૫ ના બુથ પ્રમુખે સોશિયલ મીડિયા પર મેયર અને ચેરમેન સામે રોષ ઠાલવ્યો હતો. આજવા રોડ મહાવીર હોલથી કિશનવાડી તરફ જવાના રસ્તા પર આજે સવાર સુધી વરસાદી પાણી ઉતર્યા નહતા.
સ્થાનિક રહીશો ઉપરાંત ભાજપના સક્રિય કાર્યકરોએ નેતાઓને કોલ કર્યા હતા. પરંતુ, તેઓએ કોલ રિસિવ કર્યા નહતા. જાે પોતાના જ પક્ષના વર્ષો જૂના કાર્યકરોના કોલ હોદ્દેદારો રિસિવ કરતા ન હોય ત્યારે સામાન્ય નાગરિકો આવા નેતાઓ પાસે કઇ રીતે અપેક્ષા રાખી શકે. છેલ્લા ૩૦ વર્ષથી વરસાદી પાણીની સમસ્યાથી ત્રસ્ત વોર્ડ – ૫ ના બુથ પ્રમુખે આજે પોતાનો રોષ ઠાલવતા કહ્યું હતું કે, આખા વડોદરામાં પાણી ઉતરી ગયા પણ અમારી ત્યાં હજી પાણી ઉતર્યા નથી. વરસાદ પડે અને પાણી ભરાય તે સમજી શકાય છે. પરંતુ, ૧૫ કલાક સુધી પાણી ઉતર્યા નથી.
અમે તંત્રને કહીને થાકી ગયા છે. પણ કોઇ અમારી કાળજી લેતું નથી. અમારા વિસ્તારમાં ૧૦૦ સોસાયટીમાં હજી પાણી ભરાયેલા છે. બે – ત્રણ ઇંચ વરસાદમાં પાણી ભરાઇ જાય છે અને કલાકો સુધી પાણી ઉતરતા નથી. દર વર્ષે ફર્નિચર અને ગાડીઓને નુકસાન થાય છે. અમે ભાજપના સક્રિય કાર્યકર અને બુથ પ્રમુખ છીએ. હવે તમે તમારા કાર્યકાળમાં અમને આ સમસ્યામાંથી બહાર કાઢો. નજીકમાં જ પરિવાર સ્કૂલ છે. જ્યાં પણ પાણી ભરાઇ જવાના કારણે બાળકોને રજા આપવી પડે છે અને શિક્ષણ બગડે છે. કેશ ડોલ કાયમી ઉકેલ નથી. જાે આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો અમે સક્રિય કાર્યકરો નહીં બનાવીએ.
Recent Comments