ભાયલી ટીપી વિસ્તારમાં આજે સવારે ઝાડ પર એક યુવકની લટકતી લાશ મળતા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. યુવકની ઓળખ કરી તેના પરિવારોને જાણ કરી આપઘાત કે હત્યાને શંકાના આધારે તપાસ હાથ ધરી છે. આજે સવારે તાલુકા પોલીસને માહિતી મળી હતી કે, ભાયલી ટીપી વિસ્તારમાં વિરામ ફ્લેટ પાસે આવવારું જગ્યામાં ઝાડ પર એક યુવકની લાશ લટકી રહી છે. જેના પગલે તાલુકા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઝાડ પરથી લાશ ઉતારી હતી. પોલીસ મૃતકને ઓળખ માટેના પ્રયાસો શરૃ કર્યા હતા.
તે દરમિયાન મૃતકના મોબાઈલ પર રીંગ આવતા પોલીસે ફોન રિસીવ કર્યો હતો. જેના આધારે મૃતકનું નામ જસારામ ભગવાનરામ સુથાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને હજી કોઈ ચિઠ્ઠી મળી આવી નથી. યુવકે આપઘાત કર્યો કે પછી કોઈએ તેમની હત્યા કરીને લાશ ઝાડ પર લટકાવી દીધી છે? તેવી શક્યતાઓના આધારે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહ પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પ્રાથમિક તપાસ દરમિયાન યુવકે મંદીના કારણે આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. પી.એમ.રિપોર્ટ આવ્યા પછી જ સાચું કારણ જાણી શકાશે. જસારામ સુથારી કામ કરતા હતા.
તેઓને બે સંતાન છે. ગઇકાલે રાતે તેઓ ઘરેથી કામ પર જવાનું કહીને નીકળ્યા હતા. રાતે પત્નીએ કોલ કર્યો ત્યારે તેમણે કહ્યું કે, હું ભાયલી છું. કામ પતાવીને આવું છું. ત્યારબાદ તેમણે ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું. પરિવાર રાતથી તેઓને શોધી રહ્યો હતો. દરમિયાન આજે સવારે તેઓની લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી. જ્યારે તેઓની બાઇક ઘટના સ્થળની નજીકથી જ મળી આવી છે. તેઓ ભાયલી કઇ રીતે પહોંચ્યા ? આ ઘટના પાછળનું સાચું કારણ શું છે ? તે જાણવા તાલુકા પોલીસ સ્ટેશનના હે.કો. રણજીતસિંહે વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments