ગુજરાત

વડોદરાના અલકાપુરીના સોની વેપારી પાસેથી ૪૪ લાખની સામે ૫૨.૬૦ લાખ વ્યાજ વસૂલનાર વ્યાજખોરની ધરપકડ કરાઈ

શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ જ્વેલર્સ શોપના વેપારીએ ધંધાકીય લેવડદેવડ બાબતે નાણાની જરૂરિયાત ઉદ્ભવતા ૧૦ ટકા વ્યાજે ૪૪ લાખની રકમ સામે ૫૨.૬૦ લાખનું વ્યાજ ચૂકવવા છતાં ૭૮.૫૬ લાખનોહિસાબ બાકી કાઢી ગુંડાઓ મારફતે દબાણ કરી મિલકત વેચી ૦૧ કરોડની રકમ ચૂકવવાની પ્રોમિસરી નોટ લખાવનાર વ્યાજખોરની ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતા ધનંજય હરીશભાઈ ચોકસી અલકાપુરી વિસ્તારમાં જ્વેલર્સની દુકાન ધરાવે છે. તેમણે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ ૨૦૨૦ દરમિયાન ધંધાકીય લેવડ દેવળ અર્થે ૩૮ લાખની જરૂરિયાત ઉદ્ભવી હતી.

જેથી મિત્ર મારફતે રાજકુમાર શિવમ જ્ઞાનમ પિલ્લાઈ ( ઇન્ડિયાબુલ્સ મેગા મોલ, જેતલપુર) પાસેથી ૧૦ ટકા વ્યાજે ૩૮ લાખ લીધા હતા. જેની સામે ત્રણ મહિનામાં ૧૧.૪૦ લાખ વ્યાજ ચૂકવ્યું હતું. કોવીડના કારણે વેપાર અસરગ્રસ્ત બનતા નાણા આવે ત્યારે બાકી વ્યાજ અને મુદ્દલ ચૂકવવાની ખાત્રી આપી હતી. ત્યારબાદ રાજુ પિલ્લઈએ વ્યાજ અને મુદ્દલ મળી રૂપિયા ૭૮,૫૬,૪૫૦નો હિસાબ બાકી કાઢી પૈસાની સગવડ ના થાય તો તારી નવરંગ સોસાયટીમાં આવેલ મિલકત વેચી મને ૧ કરોડ આપવા પડશે તેવું જણાવી મારી ઉપર દબાણ કરી રાજકુમાર પિલ્લાઇ, શ્રીકાંત પિલ્લાઇ, હેમંત પવાર અને જયગણેશ પિલ્લાઇના નામે રૂપિયા ૨૫ લાખના બેંકના ચેક તથા પ્રોમીસરી નોટ લખાણ કરાવી લીધું હતું.

આમ જ્વેલર્સ શો રૂમના માલિક ધનંજય સોનીએ વ્યાજખોર રાજકુમાર પિલ્લાઇને રૂપિયા ૪૪ લાખની રકમ સામે રૂપિયા ૫૨.૬૦ લાખ વ્યાજ ચુકવ્યું છે. તેમ છતાં ગુંડાઓ મોકલી વધુ રકમ માટે માંગણી કરી મિલકત પચાવી પાડવાનો પ્રયાસ કરતા તેઓએ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ગોત્રી પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આરોપી રાજકુમાર પિલ્લાઇની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. વ્યાજખોરની ધરપકડ થતાં વ્યાજખોરોમાં ગભરાટ ફેલાઇ ગયો છે.

Follow Me:

Related Posts