વડોદરાના ફેતગંજ વિસ્તારમાં એસઓજીએ દરોડો પાડી ફ્લેટમાંથી ૪.૩૧ લાખનું ચિટ્ટા હેરોઇન જપ્ત કર્યું છે. તેમજ ફ્લેટમાં ડ્રગ્સ રાખતા સોનુ નામના શખ્સને ઝડપી લીધો છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપ દ્વારા બાતમીના આધારે ફતેંગજ પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલ સિદ્ધિ ટાવરમાં મકાન નંબર ૬૦૨માં દરોડો પાડ્યો હતો. જ્યાંથી અરીકસીંઘ ઉર્ફે સોનુ સરવનસિંઘ મલ્હી ૮૬૨ ગ્રામ ચિટ્ટા હેરોઇન સાથે ઝડપાઇ ગયો હતો. જપ્ત થયેલ ચિટ્ટા હેરોઇનની કિંમત ૪ લાખ ૩૧ હજાર થાય છે. સોનુ મલ્હી પાસેથી બે મોબાઇલ અને ૧૮ હજાર રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. એસઓજીને તપાસમાં જાણવા મળ્યું છે કે સોનુ મલ્હી છાણી જકાતનાકા પાસે આવેલ ગુરુનાનક નગરનો રહેવાસી છે.
તે છેલ્લા ત્રણ વર્ષથી ડ્રગ્સનું છૂટક વેચાણ કરે છે. તેમજ ડ્રગ્સનો જથ્થો લાવી તેની પડીકીઓ બનાવી છૂટક ગ્રાહકોને વેચાણ કરે છે. સાથે જ સચદેવ ખાલસા (પંજાબી)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલેઆરીકસીઘ ઉર્ફે સોનું મલ્હી સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ ૧૯૮૫ની કલમ ૮ (સી),૨૧ (બી), ૨૯ મુજબ ગુનો દાખલ કરી કર્યો છે. એસઓજી દ્વારા માદક પદાર્થ હેરોઇન તેમજ વેચાણના નેટવર્ક અંગે સઘન તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં નવા બેનલા પાણીગેટ પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા હતા. ત્યારે તેમણે પંજાબની જેલમાંથી કેવી રીતે ડ્રગ્સનું નેટવર્ક ચલાવવામાં આવે છે તેમજ સરહદ પારથી આવતા ડ્રગ્સના જથ્થાને ઝડપી લેવામાં ગુજરાત પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે તેમ જણાવ્યું હતું. ત્યારે હવે વડોદરા પોલીસે શહેરમાં ડ્રગ્સ વેચતા એક શખ્સને ઝડપી લીધો છે.
Recent Comments