ગુજરાત

વડોદરાના શિનોરમાં યુવાને સ્કૂલે જતી વિદ્યાર્થિનીને પ્રેમ-સબંધ બાંધવા માટે મારી નાંખવાની ધમકી આપી

શિનોર તાલુકામાં સ્કૂલમાં જતી વિદ્યાર્થીનીને પ્રેમસબંધ બાંધવા માટે હેરાન કરી રહેલા યુવાન સામે શિનોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે, શિનોર તાલુકામાં પરિવાર સાથે રહેતી આરતી (નામ બદલ્યું છે) ધોરણ-૧૧માં અભ્યાસ કરે છે. પોતાના ગામની બાજુમાં આવેલા ગામમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતી આરતી રોજ ગામમાં આવતી સરકારી બસમાં અપ-ડાઉન કરે છે. આરતી રોજ સવારે સ્કૂલમાં જતી અને સાંજે પરત ફરતી હતી. આરતીનું એકમાત્ર લક્ષ્ય અભ્યાસ કરવાનું છે. પરંતુ, છેલ્લા એક માસથી હેરાન કરી રહેલા રાકેશ વસાવાથી પરેશાન થઇ ગઇ હતી.

આરતીએ શિનોર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરતી રોજ સ્કૂલે જવા માટે ગામના બસ સ્ટેન્ડ ઉપર આવતી ત્યારે વેમાર ગામનો રાકેશ સોમાભાઇ વસાવા બસ સ્ટેન્ડ ઉપર આવી જતો હતો. અને એકીટસે આરતી સામે જાેયા કરતો હતો. કેટલીક વખત રાકેશ આરતીનો પીછો કરી સ્કૂલ સુધી પહોંચી જતો હતો. સતત પીછો કરી રહેલા રાકેશથી આરતીનું જીવવું મુશ્કેલ થઇ ગયું હતું. ફરિયાદમાં એમ પણ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં આરતી દુકાને ગઇ હતી. તે સમયે રાકેશ આરતી પાસે પહોંચી ગયો હતો. અને જણાવ્યું કે, તું મારી જાેડે બોલીશ ? ત્યારે આરતીએ સ્પષ્ટ જણાવ્યું કે, હું તારી સાથે વાત કરવા માંગતી નથી. મારો પીછો કરવાનું બંધ કરી દે. નહિં તો હું મારા પપ્પાને કહી દઇશ. ત્યારે રાકેશ વસાવાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, તું જાે મારી જાેડે વાત નહિં કરે તો તને જાનથી મારી નાંખીશ. વિચારી લે. તેમ જણાવી જતો રહ્યો હતો.

ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, આરતી તેની સહેલી સાથે બસમાં જતી હતી. ત્યારે રાકેશે આરતીની સહેલીને ફોન કરીને આરતી સાથે વાત કરાવવા માટે જણાવતો હતો. અને પીછો કરતો તે સાધલી ગામ સુધી પહોંચી ગયો હતો. રાકેશ સાધલી ગામ સુધી આવી પહોંચતા આરતી ગભરાઇ ગઇ હતી. અને મામાના ઘરે જતી રહી હતી. દરમિયાન આરતીએ શિનોર પોલીસ મથકમાં છેલ્લા એક માસથી હેરાન કરી રહેલા રાકેશ સોમાભાઇ વસાવા (રહે. વેમાર ગામ, શિનોર) સામે ફરિયાદ નોંધાવી હતી. શિનોર પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts