વડોદરાના ૫ તાલુકામાં મહિલાઓએ વધુ મતદાન કર્યું

કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા દરેક બૂથ પર માસ્ક, હેન્ડ સેનેટાઈઝર, ટેમ્પરેચર ગન અને હેન્ડ ગ્લવ્ઝની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી દરેક મતદારો પોલિંગ બૂથ પર પહોંચે તે પહેલાં તેમનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ તેમને હેન્ડ ગ્લવ્ઝ આપવામાં આવતું હતું. વિધાનસભા અને લોકસભાના ઈલેક્શનમાં ઈવીએમથી મતદાન થાય છે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપર અપાતા મતદાન ધીમું થઈ થયું હતું. મતદારોએ રમૂજમાં ઇવીએમથી મત આપવાની ટેવ પડી હોવાથી ચીઠ્ઠીથી મત આપવાનું ફાવતું ન હોવાનું જણાવ્યું હતું
વડોદરા જિલ્લાની ૨૬૦ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સાંજના ૫ વાગ્યા સુધીમાં ૭૬.૧૪ ટકા મતદાન થયું હતું, જેમાં ૭૬.૩૯ ટકા પુરુષો તેમજ ૭૫.૮૭ ટકા મહિલાઓએ મત આપ્યા હતા. વડોદરાના ૮ તાલુકામાં યોજાયેલી ચૂંટણીમાં ચૂંટણી આયોગ દ્વારા કોરોના ગાઈડ લાઈન હેઠળ મતદારોને હેન્ડ ગ્લવ્ઝ, માસ્ક આપવામાં આવ્યાં હતાં. જિલ્લામાં એકલ-દોકલ ફરિયાદો સિવાય મતદાન શાંતિપૂર્ણ રીતે પૂરું થયું હતું. જાેકે સાંજના ૬ વાગ્યા સુધીમાં મતદાન પૂરું થતાં સરેરાશ ૮૦ ટકા મતદાન થયું હતું. ૧૯ ડિસેમ્બરના રોજ વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની ભીડ જાેવા મળી હતી.
મતદાન શરૂ થયાના પહેલા બે કલાકમાં ૭.૭૪ ટકા મતદાન થયું હતું. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન થતું હોવાથી મતદાન કરવામાં પણ સમય લાગતો હોવાથી મતદારોની લાઈન પણ મતદાન મથકોની બહાર સુધી પહોંચી હતી. પાદરા, કરજણ, ડભોઈ, વાઘોડિયા, સાવલી તાલુકામાં પુરુષો કરતાં મહિલા મતદારોની ટકાવારી વધુ નોંધાઈ હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સાવલી અને વરણામાં ખાતે ફરિયાદો મળી હતી. જેમાં સાવલી તાલુકાના કરચિયા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમીર સિસોદિયા નામના યુવક પર ચપ્પા વડે હુમલો થતાં માહોલ તંગદિલી ભર્યો થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યાં હતાં, યુવકને સારવાર અર્થે ખસેડ્યો હતો. આ ઉપરાંત વરણામા ખાતે બેલેટ પેપર પ્રિન્ટિંગ ભૂલના કારણે અડધો કલાક મોડું મતદાન થયું હતું. આ ઉપરાંત વરણામા ખાતે વધારે સંખ્યામાં ચૂંટણી એજન્ટ રાખવા બાબતે પણ હોબાળો થતાં જિલ્લા પોલીસ અધિક્ષક સુધીર દેસાઈ સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.
પાદરા અને કરજણની પેટા ચૂંટણીમાં ૫ વાગ્યા સુધીમાં ૮૪.૨૩ ટકા મતદાન થયું હતું. પાદરામાં ૯૧.૭૬ ટકા પુરુષ અને ૮૮.૫૬ ટકા સ્ત્રીઓ મળી કુલ ૯૦.૨૪ ટકા લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે કરજણમાં ૮૨.૩૪ ટકા પુરુષ અને ૭૭.૫૧ ટકા સ્ત્રીઓ મળીને કુલ ૮૦.૦૪ ટકા લોકોએ મતદાન કર્યું હતું. પેટાચૂંટણીનું એવરેજ મતદાન ૮૪.૨૩ ટકા થયું હતું. આમ સ્ત્રી મતદારોની ટકાવારી ૮૨.૦૫ ટકા નોંધાઈ હતી. અનગઢ ગામમાં અત્યાર સુધી સરપંચના ઉમેદવાર માટે માંડ ૨ થી ૩ વ્યક્તિઓ ઊભા રહેતા હતા. તેની જગ્યાએ ચાલુ વર્ષે ૧૦ ઉમેદવારો સરપંચની ચૂંટણી લડી રહ્યા છે. અનગઢ ગામના પોલિંગ બૂથ પર પોલીસકર્મીઓ સ્થળથી દૂર બેસી રહેતાં પ્રિસાઈડિંગ ઓફિસર દ્વારા પટાવાળાને બૂથની બહાર વ્યવસ્થા ગોઠવવા માટે ઊભો રાખવો પડ્યો હતો. કોટણામાં સરપંચ અને વોર્ડના ઉમેદવારો અને લોકો મત આપવા જતા પહેલાં મહીસાગર નદીના કિનારે આવેલા ખડક માતાના દર્શને ગયા હતા. કોટણામાં ૮ નંબરના વોર્ડમાં ઓબીસીનું સર્ટીફિકેટ ન આપતા ઉમેદવારોનું ફોર્મ રદ થયું હતું.
Recent Comments