ગુજરાત

વડોદરાનો કુખ્યાત બુટલેગર હરેશ સિંધી પોલીસ સ્ટેશનથી ફરાર

વડોદરાના વારસીયા વિસ્તારમાં આવેલી ટી-૧૨, રૂમ નંબર-૧૬૮ એસ.કે. કોલોનીમાં રહેતા હરેશ ઉર્ફ હરી ચંદ્રકાંત બ્રહ્મક્ષત્રીય (સિંધી)ની તા. ૩૦ માર્ચ-૨૦૨૨ના રોજ વડોદરા શહેર પોલીસ તંત્રના પીસીબી શાખાના પી.આઇ. જે.જે. પટેલના સ્ટાફના એ.એસ.આઇ. હરીભાઇ, પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ પોલીસ કોન્સ્ટેબલ મહોબતસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહે માહિતીના આધારે બાતમીના આધારે અમદાવાદ નરોડા ગેલેક્ષી પાસેથી કાર સાથે ઝડપી પાડ્યો હતો. દરમિયાન વડોદરા જિલ્લા પોલીસ તંત્રના વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુના અંગે વરણામા પોલીસે તેનો કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીને કબજાે લીધો હતો અને વરણામા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.

દરમિયાન લઘુશંકાએ જવાના બહાર બુટલેગર હરેશ ઉર્ફ સિંધી વરણામા પોલીસ મથકના ફરજ પરના જવાનોને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. કુખ્યાત બુટલેગર ફરાર થઇ જતાં જિલ્લા પોલીસ તંત્રએ આરોપીને ઝડપી પાડવા દોડધામ કરી મુકી હતી. નોંધનીય છે કે, જિલ્લા પોલીસ વડા તરીકે રોહન આનંદે ચાર્જ લીધાના ૧૨ કલાકમાં જ કુખ્યાત બુટલેગર હરેશ ઉર્ફ હરી સિંધી ફરાર થઇ જતાં જિલ્લા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ હતી. કુખ્યાત બુટલેગર હરેશ ઉર્ફ હરી સિંધી સામે વડોદરા સિટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન, આર્મ્સ એક્ટ સહિત ૧૨ ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત હરણી પોલીસ, કિશનવાડી પોલીસ, બાપોદ પોલીસ, વાડી પોલીસ, માંજલપુર પોલીસ તેમજ વડોદરા જિલ્લાના વરણામા અને તાલુકા પોલીસ મથક મળી કુલ ૨૬ ગુના નોંધાયેલા છે.

જે પૈકી વાડીના બે, માંજલપુર પોલીસ સ્ટેશન, વરણામા, તાલુકા અને હરણી પોલીસ મથક મળીને ૭ ગુનામાં વોન્ટેડ બુટલેગરને વડોદરા શહેર પીસીબી શાખાએ છેલ્લા કેટલાક સમયની કસરત બાદ અમદાવાદથી દબોચ્યો હતો. વડોદરા શહેર પીસીબી શાખાને બુટલેગર રાજસ્થાનથી પરત આવી રહ્યો હોવાની માહિતી મળતા વોચ ગોઠવીને તેને દબોચી લીધો હતો. પોલીસ તંત્રમાંથી મળેલી માહિતી પ્રમાણે હરેશ ઉર્ફ હરી બ્રહ્મ ક્ષત્રીય (સિંધી) પાંચ વખત પાસામાં જઇ આવ્યો છે. કુખ્યાત બુટલેગર હરેશ ઉર્ફ હરી સિંધી વારસીયામાં હોઇ કે જેલમાં હોઇ તે વ્યવસ્થિત પોતાનું વિદેશી દારૂનું નેટવર્ક ચલાવતો હતો.

આવા કુખ્યાત બુટલેગર હરી સિંધી વહેલી સવારે વરણામા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ફરાર થઇ જતાં જિલ્લા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ હતી. આરોપીને ઝડપી પાડવા માટે જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પી.આઇ. એમ.એમ. રાઠોડ, જિલ્લા એસ,ઓ.જી. દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જાેકે, બપોરે સુધી હરી સિંધીના કોઇ સગડ મળ્યા ન હતા. વરણામા પોલીસે ફરાર થઇ ગયેલા કુખ્યાત બુટલેગર હરેશ ઉર્ફ હરી સિંધી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ જિલ્લા પોલીસ તંત્રની વિવિધ એજન્સીઓ દ્વારા નવ નિયુક્ત જિલ્લા પોલીસ વડા રોહન આનંદની સુચના અનુસાર સીસીટીવી ફૂટેજની મળેવી તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts