fbpx
ગુજરાત

વડોદરામાં આજવારોડ પર ફર્નિચરની બે દુકાનમાં ભીષણ આગ લાગી

શહેરમાં આગ લાગવાના સતત બની રહેલા બનાવોમાં આજે આજવા-વાઘોડિયા રિંગરોડ પર સરદાર એસ્ટેટ નજીક ફર્નિચરની બે દુકાનમાં ભીષણ આગનો બનાવ બન્યો હતો. ડભોઇ ડશાલાડ ભવનની સામેના ભાગે આવેલી મારૃતી લાઇનિંગ નામની ફર્નિચરની દુકાનમાં બપોરે સાડા ચારેક વાગે કારીગરો ડિલિવરી આપવા માટે ગયા હતા અને એક કારીગર હાજર હતો ત્યારે કોઇ કારણસર આગ લાગી હતી. ફર્નિચર હોવાને કારણે અને પવનની ઝડપ પણ વધુ હોવાને કારણે આગ ઝડપભેર પ્રસરી હતી.નજીકમાં જ ફાયર સ્ટેશન આવેલું છે.

ફાયર બ્રિગેડ આવી ત્યાં સુધી બંને દુકાન આગની લપેટમાં આવી ચૂકી હતી. ફાયર બ્રિગેડે વધુ ફાયર એન્જિન બોલાવી લીધા હતા અને ત્રણ એન્જિન નો ઉપયોગ કરી દોઢ કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.આગમાં સોફા,પલંગ,કબાટ,ટેબલ,ટિપોઇ જેવા ફર્નિચરના સાધનો ખાક થઇ ગયા હતા.જ્યારે બે ગેસ સિલિન્ડર પણ બહાર કાઢવામાં આવ્યા હતા.આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.પોલીસે પણ આ અંગે તપાસ હાથ ધરી છે. આજવારોડ પર લાગેલી આગના બનાવમાં દુકાન ભાડે આપનાર મકાન માલિકના ઘરમાં આગને કારણે નુકસાન થયું હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ છે.

મળતી માહિતી મુજબ,સરદાર એસ્ટેટથી વૃન્દાવન ચાર રસ્તા જવાના માર્ગે આવેલી મારૃતી ફર્નિચરની દુકાનમાં લાગેલી આગ એટલી પ્રચંડ હતી કે પાછળ જ દુકાનના માલિક સુરેશભાઇ પાટિલના ઘર સુધી આગની જ્વાળાઓ પહોંચી હતી. મકાન માલિક તેમના પરિવારજનો સાથે બહાર ગયા હોવાથી કોઇ જાનહાનિ થઇ નહતી.પરંતુ મકાનની ગેલેરી મારફતે અંદર ગયેલી જ્વાળાઓને કારણે ઘરવખરીને નુકસાન થયું હતું. આજવારોડ-વૃન્દાવન ચોકડી વચ્ચે આજે બપોરે ફર્નિચરની દુકાનમાં લાગેલી આગના બનાવમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાની ચર્ચા પણ થઇ રહી હતી.પરંતુ ફાયર બ્રિગેડ દ્વારા તે બાબતે કાંઇ કહેવાયું નથી.જેથી ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવશે.આગના બનાવને કારણે ત્રણ ફાયર ફાઇટર કામે લાગ્યા હતા.લોકોના ટોળાં પણ જામતાં ટ્રાફિક જામ થયો હતો અને વાહન વ્યવહાર પર અસર પડી હતી.

Follow Me:

Related Posts