વડોદરામાં ૭ ડિસેમ્બરે ઝામ્બિયાથી આવેલા હરણી રોડના વૃદ્ધ દંપતીએ ૯ દિવસે ઓમિક્રોનને હંફાવી દીધો હતો. ૧૭મીએ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા બાદ રવિવારે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સાત દિવસ સુધી તેમને હોમ ક્વોરન્ટીન રહેવાની સલાહ અપાઈ છે.
હરણી રોડની સોસાયટીમાં રહેતા અને ઝામ્બિયાથી આવેલા ૭૫ વર્ષીય વૃદ્ધ અને ૬૭ વર્ષીય તેમનાં પત્નીની તબિયત કથળતા વાઘોડિયા રોડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. ચારેક દિવસની સારવાર બાદ તબિયત સુધારા પર આવી હતી. રવિવારે તેમનો બીજાે કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને કોરોના મુક્ત જાહેર કરાયાં હતાં. અમેરિકાથી એક મહિના અગાઉ અમદાવાદ આવેલી ૨૬ વર્ષની યુવતી વડોદરા લગ્ન પ્રસંગે આવી હતી. તેને ખાંસી અને ગળામાં દુઃખાવો થતાં તેને પણ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેનો પ્રાથમિક કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ બીજા રિપોર્ટ માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે. આ યુવતીના પતિની તબિયત પણ કથળી હતી. જાેકે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું હોસ્પિટલ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે. હાલમાં વાઘોડિયા રોડની હોસ્પિટલમાં ૭ ઓમિક્રોન પોઝિટિવ સારવાર લઇ રહ્યાં છે. જ્યારે એકને ગેંડા સર્કલની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. હાલમાં શહેરની બે હોસ્પિટલોમાં ૮ ઓમિક્રોન પોઝિટિવ દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ તમામ દર્દીઓની સ્થિતિ સ્થિર છે. ઓમિક્રોનનો ચેપ ન ફેલાય તે માટે બંને હોસ્પિટલ દ્વારા પૂરતી સાવચેતી રાખવામાં આવી રહી છે. બીજી તરફ એસએસજી તંત્ર દ્વારા ઓમિક્રોનની શક્યતાના પગલે હોસ્પિટલોના બેડને સજ્જ કરાયા છે. સમરસ હોસ્પિટલમાં પણ કેટલીક બેડ માટેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
વડોદરામાં છેલ્લા ૩૬ કલાકમાં ભાયલી, યમુનામીલ, અકોટા, નવાયાર્ડ, દિવાળીપુરા, માંજલપુર વિસ્તારમાં નોંધાયા છે. કોરોનાને કારણે રવિવારે એકપણ મોત નોંધાયું નથી. ૭ દર્દીઓને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. હાલ શહેરમાં કોરોનાના ૧૦૧ એક્ટિવ કેસ છે. જેમાં એક દર્દી વેન્ટિલેટર પર અને ૬ દર્દીઓ ઓક્સિજન પર છે. ૯૪ દર્દીઓની સ્થિતિ સ્થિર છે. તેમજ શહેરમાં હાલમાં ૩૮૭ લોકો ક્વોરન્ટીન છે વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૫૯૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૭૧૮ પશ્ચિમ ઝોનમાં ૧૨,૧૮૧, ઉત્તર ઝોનમાં ૧૧,૮૯૬, દક્ષિણ ઝોનમાં ૧૧,૮૯૭, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૮૧૮ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા ૩૬ કલાકમાં શહેરમાં કોરોનાના નવા ૧૦ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા ૭૨,૫૯૪ ઉપર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ ૭૧,૮૭૦ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૩ દર્દીના મોત થયા છે.
Recent Comments