વડોદરા શહેરમાં ઓમ ફાયનાન્સના પ્રણવ ત્રિવેદી અને તેના સાગરીતો સામે વધુ એક ફરિયાદ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ૭ લાખ ૧૧ હજારની સામે વ્યાજ સહિત ૨૯ લાખ ૯૮ હજાર ચુકવ્યા છતાં વધુ ૧૫ લાખની ઉઘરાણી કરી ધમકીઓ આપી હતી. વડોદરામાં વીઆઇપી રોડ પર આવેલ આદીનાથ સોસાયટીમાં રહેતા ભાર્ગવભાઇ જીતેન્દ્રભાઇ પટેલને વર્ષ ૨૦૦૩માં એન્જીનિયરિંગ કન્સલટીંગના વ્યવસાય માટે નાણાની જરૂર પડતા ઓમ ફાયનાન્સના પ્રણવ ત્રિવેદી પાસેથી દોઢ ટકા વ્યાજેથી ટુકડે ટુકડે ૭ લાખ ૧૧ હજાર રૂપિયા લીધા હતા. જેની સામે તેમણે ૩૦ કોરા ચેક સહી કરી આપ્યા હતા. આ રકમની સામે ઓક્ટોબર ૨૦૨૧ સુધીમાં હપ્તે હપ્તે વ્યાજ સહિત કુલ ૨૯ લાખ ૯૮ હજાર ૫૨૯ રૂપિયા ચુકવી આપ્યા હતા.
તેમ છતાં પ્રણવ રક્ષેસ ત્રિવેદી વધુ ૧૫ લાખ રૂપિયાની ઉઘરાણી કરી રહ્યો હતો. તેમજ ૧૦થી ૧૫ ટકા વ્યાજ વસૂલતો હતો. રૂપિયાની વસૂલી કરવા દરમિયાન પ્રણવ ત્રિવેદીએ કારેલીબાગ સ્વામીનારાયણ મંદિર પાસે બોલાવી ત્રણ-ચાર લાફા ઝીંકી દીધા હતા અને જીવવું હોય તો ૨૫ ટકા વ્યાજ પણ આપવું પડશે તેવી ધમકી આપી હતી. આ બનાવ બાદ પ્રણવના સાગરીત ગૌરાંગ મિસ્ત્રી પણ ધમકી આપી હતી. આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં પ્રણવ ત્રિવેદી, રક્ષેસ ત્રિવેદી, ગૌરાંગ મિસ્ત્રી અને વિજય પવાર સામે ફરિયાદ નોંધાવમાં આવી છે. નોંધનીય છે કે પ્રણવ ત્રિવેદી હાલ પાસા હેઠળ ભૂજ જેલમાં છે.
Recent Comments