fbpx
ગુજરાત

વડોદરામાં ખરીદી કરવા આવેલા શખ્સોએ સુપર સ્ટોરના માલિકના ગળા પર છરાથી ઘા માર્યા

વડોદરા શહેરના છાણી ટીપી-૧૩ના એક સ્ટોરમાં ખરીદી કરવા આવેલા શખ્સોએ દુકાનદાર અને તેના પુત્ર પર છરાથી હુમલો કર્યાંની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ બનાવમાં દુકાનદારને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થઇ છે, જ્યારે તેના પુત્રને હાથે ઇજાઓ થઇ હતી. ફતેગંજ પોલીસ સ્ટેશનનાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ૫ નવેમ્બરની સાંજે છાણી ટીપી-૧૩માં મહર્ષી કોમ્પલેક્ષ યોગી સુપર સ્ટોરમાં દુકાનના માલિક રાજેશ સોલંકી હાજર હતા. આ દરમિયાન લક્ષ્મણસિંહ થાવરજી ગરાસીયા (રહે. ઘનલક્ષ્મી એવન્યુ ગણપતી ચોકડી પાસે, ટી.પી ૧૩ છાણી જકાતનાકા) અને જયંતી રામજીભાઇ કોન્ટ્રાકટર (રહે. શિવશક્તિ એવન્યુ, ન્યુ સમા રોડ) યોગી સુપર સ્ટોરમાં ખરીદી કરવા આવ્યા હતા. શખ્સે છુપાવી રાખેલા છરાથી ઘા ઝીંક્યા દરમિયાન દુકાનમાં કોઇ ચીજવસ્તુ ખરીદવા બાબતે દુકાનદાર રાજેશ સોલંકીને લક્ષ્મણસિંહ અને જયંતીભાઇએ અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો.

લક્ષ્મણસિંહ રાજેશ સોલંકી ઉપર એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે પહેરેલ પેન્ટના કમરના ભાગેથી ધારદાર તિક્ષ્ણ અણીવાળો લોખંડનો છરો કાઢી રાજેશ સોલંકીને જાનથી મારી નાખવાના ઇરાદે ગળાના ભાગે ડાબી બાજુ જીવલેણ ઘા માર્યા હતા. આ વખતે રાજેશ સોલંકીનો પુત્ર મયંક સોલંકી પિતાની બૂમો સાંભળી દોડી આવ્યો હતો. જેથી લક્ષ્મણસિંહે છરા વડે તેને પણ માથામાં પાછળના ભાગે ડાબી બાજુ તથા ડાબા હાથની છેલ્લેથી બીજી આંગળી પર ઘા માર્યા હતા. જ્યારે જયંતીભાઇએ મયંક સોલંકી તથા રાજેશ સોલંકીને ગડદાપાટુનો માર માર્યો હતો. બનાવ બાદ ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છરાથી હુમલાની ઘટના અંગે ફતેગજ પોલીસે લક્ષ્મસિંહ ગરાસીયા અને જયંતીભાઇ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી લીધી છે. હુમલાની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં ધારદાર છરાથી દુકાનદાર અને તેના પુત્ર પર જીવલેણ હુમલો થતો નજરે પડે છે.

૬ મહિના પહેલા જ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આઇસ્ક્રીમ પાર્લર સંચાલકને માર મારવા તેમજ તોડફોડ કરવા મામલે ચાર શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ન્યૂ સમા રોડ પર આવેલ શ્રીજી ડુપ્લેક્ષમાં રહેતા આકાશ ગજાનંદ ગોયલ પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા વૃંદાવન હાઇટ્‌સ વેન્યુ ટાવર્સમાં આઇસ્ક્રીમ પાર્લર ચલાવે છે. તેઓ તા. ૧૩ મેના રોજ રાત્રે દુકાન પર વેપાર કરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ આવ્યા હતા અને કોલ્ડ્રિંક્સ લીધી હતી. જે પૈકી એક વ્યક્તિએ અપશબ્દો બોલી પુછ્યુ હતું કે, આ કોલ્ડ્રિંક્સની કિંમત કેટલી છે? જેથી દુકાનદાર આકાશ ગોયલે અપશબ્દો ન બોલવા કહ્યું હતું. જેથી આ લોકો પૈસા ચૂકવી જતાં રહ્યા હતા.

આ ઘટનાની જાણ આકાશભાઇએ તેમના મોટાભાઇ મુકેશ ગોયલને કરી હતી. જેથી તેઓ પણ દુકાને આવી ગયા હતા. આ દરમિયાન રાત્રે ફરી વાર મેહુલ નારાયણભાઇ કહાર, નિલેશ કહાર, રૉકી પટેલ અને ચેતન કહાર દુકાને આવ્યા હતા અને બંને ભાઇઓને અપશબ્દો બોલવા લાગ્યા હતા. તેમજ દુકાનમાં તોડફોડ કરી હતી. સાથે આ લોકોએ આકાશ અને મુકેશ ગોયલને ગડદાપાટુનો માર માર્યો હતો અને ફરાર થઇ ગયા હતા. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જેના આધારે આકાશ ગોયલે ચાર શખ્સ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Follow Me:

Related Posts