ગુજરાત

વડોદરામાં ખાડો ખોદીને જમીનમાં સંતાડેલી વિદેશી દારૂની ૧૦૬૫ બોટલ જપ્ત

વડોદરા શહેરના માણેજા રાજનગર ફાટક પાસે આવેલા સ્મશાનની પાછળ ખાડો ખોદીને પ્લાસ્ટિકનું ડ્રમ ઉતારી તેમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો જંગી જથ્થો મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસની નજર ચૂકવીને વિદેશી દારૂનો ધંધો કરતા એક બુટલેગરની પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી હતી. જ્યારે તેના સાગરીતને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

વડોદરા શહેર મકરપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડને માહિતી મળી હતી કે, માણેજા રાજનગર રેલવે ફાટક પાસે આવેલા સ્મશાનની પાછળ ખાડો ખોદીને તેમાં ડ્રમ ઉતારી દિપક સોનાર નામનો બુટલેગર અને તેનો સાગરીત વિદેશી દારૂનો ધંધો કરે છે. જેના આધારે સર્વેલન્સ સ્ક્વોડે દરોડો પાડીને સ્મશાનની પાછળ ખાડો ખોદીને તેમાં છૂપાવી રાખેલ વિદેશી દારૂની ૧૦૬૫ બોટલ કબજે કરી હતી. તે સાથે આ વિદેશી દારૂ સંતાડી ધંધો કરનાર ૨૮૭, સત્યનગર સોસાયટી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, માણેજા ખાતે રહેતા દિપક નારસિંગ સોનારની ધરપકડ કરી હતી. જ્યારે તેના સાગરીત સુરેશ ઉર્ફે કાણીયો તેજબહાદુર થાપા(રહે, ૧૨, ડાહીબા નગર, મકરપુરા, વડોદરા)ને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરી છે.

મકરપુરા પોલીસે ૧, ૧૦,૬૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાયેલા બુટલેગર દિપક સોનાર અને વોન્ટેડ સુરેશ ઉર્ફે કાણીયો થાપા સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસે બૂટલેગરો સામે ઘોસ વધારતા બુટલેગરો અવનવા કીમિયા અપનાવી વિદેશી દારૂનો ધંધો કરી રહ્યા છે, પરંતુ, પોલીસની બાજ નજરમાં બુટલેગરો ફાવી રહ્યા નથી. મકરપુરા પોલીસે ખાડો ખોદીને દાટી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડતા વિસ્તારના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Follow Me:

Related Posts