ગુજરાત

વડોદરામાં ગઈકાલે રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગવાના બનાવ બાદ આગના વધુ ચાર બનાવ બન્યા

વડોદરામાં રિફાઇનરીમાં આગ લાગવાના બનાવ બાદ હજી આગના બનાવોનો સિલસિલો જારી રહ્યો છે. ગઈકાલે રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગવાના બનાવ બાદ આગના વધુ ચાર બનાવો બનતા ફાયર બ્રિગેડની સતત દોડધામ ચાલુ રહી હતી. રિફાઇનરીની આગમાંથી માંડ વિરામ લીધા બાદ શામાં સાવલી રોડ પર રેસ્ટોરન્ટમાં ગઈકાલે સવારે આગ લાગતા ઉપરની હોસ્પિટલ ખાલી કરાવવી પડી હતી. જેમાં એક મહિલાને ડીલીવરી થવાની હતી તેનું પણ રેસ્ક્યુ કરી અન્ય હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.

ઉપરોક્ત બનાવ બાદ રાત્રે રાજમહેલ રોડ ચાર રસ્તા પાસેના વ્રજ સિદ્ધિ ટાવરની ટેરેસમાં આગ લાગતા લોકોના ટોળા જામ્યા હતા. ફાયર બ્રિગેડે પોલીસની મદદ લઈને આગ કાબુમાં લીધી હતી. ત્યારબાદ પાણીગેટ પેટ્રોલ પંપ વિસ્તારમાં એક જૂના મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં કોઈ જાનહાની થઈ ન હતી. મોડી રાત્રે ડભોઇ રોડ ગણેશ નગર ખાતે લાકડાના એક ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દ્વારા ચારે બાજુથી પાણીનો મારો કરીને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આવી જ રીતે કારમાં આગ લાગવાનું સતત ત્રીજા દિવસે પણ બનાવ બન્યો હતો. રાત્રિ બજાર અને ગઈકાલે ગોરવા આઈટીઆઈ પાસે કારમાં આગ લાગવાના બનેલા બનાવ બાદ આજે સવારે માંજલપુર શ્રેયસ સ્કૂલ નજીક એક કારમાં આગ લાગતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો. આ કારની પાસે પાર્ક કરેલી બીજી પણ એક કાર લપેટમાં આવી ગઈ હતી.ફાયર બ્રિગેડ અડધો કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.

Related Posts