વડોદરામાં ચુંટણી માટે વહીવટી વોર્ડ જાહેર કરવામાં આવ્યા પણ ઓફિસોમાં કોઈ નહીં
સવારે ઉદ્ઘાટન થયા બાદ બપોરના સમયે ત્યાં માત્ર સિક્યુરિટી ગાર્ડ અને કામગીરી કરતા વર્કરો જણાયા હતા. ગોડાઉનના બે ભાગમાં કેબિન બનાવવાની અને વાયરિંગ કરવાની કામગીરી ચાલી રહી હતી. બીજી તરફ કચેરીમાં માત્ર સિક્યુરિટી ગાર્ડ સિવાય કોઈ સ્ટાફ હાજર ન હતો. ત્યાં શૌચાલયની વ્યવસ્થા ઉભી કરાઈ છે પરંતુ પાણી માટેની કોઈ વ્યવસ્થા ન હતી.શહેરમાં ઇલેક્શન વોર્ડ દીઠ વહીવટી વોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ૧૯ વહીવટી વોર્ડનું સવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જ્યારે શહેરના વોર્ડ ૧ છાણી, વોર્ડ ૬ વારસિયા, વોર્ડ ૯ સુભાનપુરા, વોર્ડ ૧૦ ટીપી ૧૬, વાસણા એફોર્ડબલ હાઉસીંગની દુકાનો અને વોર્ડ ૧૯ મકરપુરા જીઆઇડીસીમાં કોર્પોરેશનના ગોડાઉનમાં તપાસ કરતા ત્યાં રંગ રોગાન, કેબિનના બાંધકામ, ઇલેક્ટ્રીકલ વાયરિંગની કામગીરી ચાલુ હતી.૫ કચેરીઓમાં હજી કમ્પ્યુટર સહિતના સાધનો, સ્ટેશનરી જાેવા મળી નહતી અને કેટલી ઓફિસમાં માત્ર ટેબલ જ ગોઠવ્યા હોવાનું જણાયુ હતું.
છાણી વોર્ડ ૧ની કચેરી સિવાયની કચેરીઓમાં માત્ર સિક્યુરિટી ગાર્ડ નજરે પડ્યા હતા. આધારભૂત સૂત્રો મુજબ પહેલા દિવસે ફરિયાદ રજિસ્ટર કે ઇનવર્ડ માટેની વ્યવસ્થા ન હતી. વોર્ડ ૬ની કચેરીમાં માત્ર કેબિન બનાવવામાં આવ્યા છે. ૨ રૂમમાં ઉભી કરાયેલી કચેરીમાં હજી ટેબલ અને કમ્પ્યૂટર સહિતની સામગ્રી મુકવાની બાકી હતી. જેના કારણે અધિકારી અને કર્મચારીઓને બેસવાની સમસ્યા ઉભી થઇ હતી. તદુપરાંત સવારે જ કચેરી બહાર રંગ રોગાણ અને રોડ પર પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી. માત્ર ૨૦×૧૨, ૧૫×૫ અને ૨૦×૧૫ના ત્રણ રૂમમાં કચેરી શરૂ કરાઇ છે. સવારે કચેરીમાં અધિકારીઓ માટે કેબિન બનાવવાની કામગીરી થઈ રહી હતી. ત્રીજા રૂમમાં માત્ર ટેબલ જ મુકાયા છે, કમ્પ્યુટર સહિતની સામગ્રી ન હતી. રૂમમાં શેડ પતરાનો હોવાથી ઉનાળામાં કર્મચારીઓ માટે કામ કરવુ કસોટી સમાન બનશે.
સુભાનપુરા વોર્ડ ૧૦ની હયાત કચેરીમાં વોર્ડ ૮ની કચેરી શરૂ કરાઇ છે. તેની બિલકુલ બાજુમાં જ જૂની વોર્ડ ૧૦ની કચેરીમાં વોર્ડ ૯ની શરૂ કરવામાં આવી હતી. કચેરીમાં ફરિયાદ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે પરંતુ ત્યાં માત્ર ટેબલ મૂકયા છે. બપોરના સમયે કચેરીમાં લાઇટ અને પંખા ચાલુ હતા. ત્યાં સ્ટાફ ન હતો માત્ર એક ગાર્ડ જ હાજર હતો. વોર્ડ ૧૦ કચેરી વાસણા ગામ નજીક આવેલા એફોર્ડેબલ હાઉસિંગની દુકાનોમાં વોર્ડ કચેરી શરૂ કરવામાં આવી છે. જેમાં હરોળબંધ દુકાનોમાં કચેરી કાર્યરત કરવામાં આવી છે. જેમાં હજી કેબિન બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી. જ્યાં માત્ર એક સિક્યુરિટી ગાર્ડ નજરે પડયો હતો. જ્યારે ત્યાં પાણીની કોઈ વ્યવસ્થા જણાઈ ન હતી.
Recent Comments