ગુજરાત

વડોદરામાં ચૂંટણી પહેલાં મોપેડમાં ૩૯ લાખ રોકડા લઈને જતા બે શખ્સો ઝડપાયા

વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી ટાણે મોડી રાત્રે ફતેગંજ પોલીસે મોપેડની ડીકીમાં રૂપિયા ૩૯ લાખ રોકડા લઈને પસાર થઈ રહેલા બે યુવાનોને ઝડપી પાડ્યા હતા. આ રોકડ રકમ ક્યાંથી લાવવામાં આવી હતી અને ક્યાં લઈ જવામાં આવી રહી હતી એ દિશામાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. ૨૮ ફેબ્રુઆરીના રોજ રવિવારે વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી થવાની છે.

ચૂંટણીપ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે ચૂંટણીઓમાં મતદારોને રીઝવવા માટે નાણાંની કોથળીઓ ખુલ્લી મૂકવામાં આવે છે અને દારૂની રેલમછેલ થતી હોય છે. ત્યારે મોડી રાત્રે ફતેગંજ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન મોપેડ લઇને પસાર થઇ રહેલા બે યુવાનોને ઊભા રાખી તેમના મોપેડની ડીકીમાં તપાસ કરતાં રૂપિયા ૩૯ લાખ રોકડા મળી આવ્યા હતા.

રૂપિયા ૩૯ લાખ રોકડ અંગે બંને યુવાનો સંતોષકારક જવાબ આપી ન શકતાં પોલીસ બંનેને પોલીસ મથક ખાતે લઇ આવી પૂછપરછ શરૂ કરી હતી. જાેકે આ રોકડ રકમ ક્યાંથી લાવવામાં આવી હતી ને ક્યાં લઈ જવામાં આવી હતી એ અંગે હજુ સુધી પોલીસતંત્ર દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. હાલ ફતેગંજ પોલીસે રૂપિયા ૩૯ લાખ સાથે અટકાયત કરાયેલા બંને યુવાનો સામે જાણવાજાેગ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts