કેન્દ્રની ટીમની મુલાકાત બાદ રવિવારે પાલિકીની ટીમ દ્વારા કરવામાં આવેલી દૈનિક કામગીરી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની વિવિધ ટીમે રવિવારે ૧૧,૨૦૩ ઘર અને ૪૧,૧૦૫ વસ્તીનો સર્વે કર્યો હતો. આ સર્વે દરમિયાન ઝાડાના ૭ અને તાવના ૪૩ દર્દીઓ મળ્યાં હતાં. ૧૪૦ નાગરિકોના બ્લડ સેમ્પલ લેવાયાં હતાં.વડોદરા શહેરમાં મચ્છર અને પાણી જન્ય રોગચાળો બેકાબુ થતાં કેન્દ્ર અને રાજ્યના આરોગ્ય વિભાગની ટીમ દોડી આવી હતી. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો કાબુમાં લેવા માટે ૨૬૩ ટીમને મેદાનમાં ઉતારી છે. ૨૬૩ ટીમ દ્વારા આજે ૩૩૧ વિસ્તારોની વિઝીટ કરી હતી. કોર્પોરેશનના તંત્રનો દાવો છે કે, ૨૬૩ ટીમોએ ૪૨,૭૧૦ ઘરની તપાસ કરી અને ૮,૧૮૦ મકાનોમાં ફોગીંગ કર્યું હતું. આ ઉપરાંત ૯૭,૪૫૯ પાત્રોની ટ્રિટમેન્ટ કરાવી, ૮ કંટ્રક્શન સાઇટ પૈકી ૨ને નોટિસ આપી છે. ૩ હોસ્ટેલ અને સ્કુલોની તપાસ ઉપરાંત કોર્પોરેશને અત્યારસુધી ૪૯૪ કંટ્રક્શન સાઇટ્સને નોટિસ આપી છે. કોર્પોરેશનનું તંત્ર કામગીરીના આંકડા જાહેર કરી પીઠ થાબળી રહયું છે. પરંતુ હજુ પણ શહેરમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી. ડેગ્ન્યુના ૭૭ સેમ્પલો પૈકી ૧૬ પોઝિટિવ અને ચિકનગુનિયાનાં ૩૦ સેમ્પલ પૈકી ૧૩પોઝિટિવ આવ્યાં હતાં.
શહેરના અક્ષરચોક વિસ્તારના સિગ્નેટ હબ બિલ્ડિંગની પાછળના ભાગમાં આવેલા અવાવરૂ મકાનની છત પર છેલ્લાં કેટલાંય દિવસોથી ગંદુ વરસાદી પાણી ભરાયેલું છે. પાલિકાના પાપે આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તેવી દહેશત છે. કોર્પોરેશનની ટીમ ૪૯૪ કંટ્રક્શન સાઇટ્સને નોટિસ આપવાનો દાવો કરે છે, તો સિગ્નેટ હબ પાછળના મકાનની છત પર ભરાયેલું પાણી અને ગંદકી કેમ રડારમાં આવી નહીં ? શહેરમાં આ પ્રકારની હજુ કેટલીક બિલ્ડિંગ અને મકાનોની છત સહિતની જગ્યાઓએ વરસાદી પાણી ભરાયેલાં હોવાથી ડેગ્ન્યુ અને ચિકનગુનિયા બેકાબુ છે. કોર્પોરેશનના તંત્રએ શહેરનો ખૂણે-ખૂણો તપાસ કરવાને બદલે કાગળ પર કામગીરી બતાવે છે. નાગરિકના સ્વાસ્થય સાથે ચેડા કરતાં જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કોર્પોરેશનની ચૂંટાયેલી અને વહીવટી પાંખે લાલ આંખ કરવી જરૂરી બને છે. કિશનવાડી, પાણીગેટ, નવાપુરા, નવીધરતી, ફતેપુરા, સમા, અટલાદરા, ગોકુલનગર, જેતલપુર, દિવાળીપુરા, કપુરાઇ, બાપોદ, છાણી, નવાયાર્ડ, શિયાબાગ, અકોટા, તરસાલી, દંતેશ્વર અને માંજલપુર વિસ્તારમાં ડેગ્ન્યુ અને ચિકનગુનિયાનો રોગચાળો ફેલાયેલો છે.
Recent Comments