વડોદરામાં પતંગની દોરીથી ગળું કપાતાં બાઈક સવારનું મોત, ગળાની તમામ નસો કપાઈ
વડોદરામાં નવા વર્ષની શરૂઆત અકસ્માતનો ઘટનાઓથી થઇ છે. રાત્રે ફતેગંજ બ્રિજ પરથી બાઇકસવાર બે યુવકો નીચે પટકાતા તેમના મોત નિપજ્યા હતા. ત્યારે વડોદરા શહેરમાં આર.વી દેસાઈ રોડ પર નવા વર્ષના પ્રથમ દિવસે જ પતંગની દોરી વાગતા બાઈકસવાર પૂર્વ નેશનલ હોકી પ્લેયરનું ગળું કપાતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. સાંજે વડોદરામાં રહેતો પૂર્વ નેશનલ હોકી પ્લેયર રાહુલ બાથમ(ઉ.૩૦) કામ અર્થે આર.વી. દેસાઇ રોડ પર નિકળ્યો હતો. દરમિયાન નવાપુરા પોલીસ સ્ટેશન નજીક બાઇકસવાર રાહુલ બાથમના ગળામાં પતંગની દોરી આવી જતાં તેના ગળા પર ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી સારવાર માટે તેને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. રાહુલ બાથમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો ત્યારે ખૂબ જ લોહી વહી રહ્યું હતુ.
ડોક્ટર્સ દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી હતી. પરંતુ ગળાની નસો કપાઇ જતાં અને લોહી વહી જતાં તેનું મોત નિપજ્યું હતું. જેથી પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પતંગની દોરીથી ગળું કપાતા કરૂણ મોતને ભેટેલ યુવક રાહુલ બાથમ વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલ ભાથીજી પાર્કનો રહેવાસી છે. તે કામ અર્થે આર.વી.દેસાઇ રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક તેના ગળામાં દોરી વાગી હતી અને તેનું મોત નિપજ્યું છે. ઉત્તરાણયણ ૧૪મી જાન્યુઆરીએ છે અને પર્વને હજું ૧૪ દિવસ બાકી છે ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે પતંગની દોરીથી યુવકનું મોત થયું છે. ત્યારે શહેરીજનોએ અને ખાસ બાઇકસવાર માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે.
માણસોની સાથે સાથે પક્ષીઓ માટે પણ પતંગનો દોરો જીવલેણ સાબિત થઇ રહ્યો છે. ચાઇનીઝ દોરી જીવલેણ હોવાથી તેના પર સરકારે પ્રતિબંધ મુક્યો છે. છતાં તેનું વેચાણ થઇ રહ્યું છે. ત્રણ દિવસ પહેલા જ વડોદરાના ગોરવા વિસ્તારમાં બોરીયા તળાવ પાસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા શકીલહુસેન હબીબભાઈ પરમાર (રહે. કરોડિયા રોડ)ને પોલીસે ૪૯ રીલ સાથે ઝડપી પાડી રૂ.૯,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હોસ્પિટલના એમએલઓ દ્વારા જાણવા મળ્યા મુજબ ઓફિસની ઉપર ક્લાર્ક તરીકે પહેલા માળે ફરજ બજાવતા રતિલાલ રાઠવાને ૭ દિવસ પહેલા પતંગના દોરાથી ગળા ઉપર ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં તેમને નવ ટાંકા લેવા પડ્યા હતા. સદ્નસીબે તેમણે વચ્ચે હાથ નાખતા દોરાથી વધુ ઇજા થતા અટકી ગઈ હતી.
Recent Comments