fbpx
ગુજરાત

વડોદરામાં પરિવારના મોભીએ જ શેરડીના રસમાં ઝેર ભેળવીને પરિવારને આપ્યું, ૨ ના મોત

વડોદરાના તરસાલી વિસ્તારમાંથી એક હ્રદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે, જેમાં પરિવારનાં મોભીનાં કૃત્યથી ચકચાર મચી જવા પામી છે. આ હત્યાનાં ષડયંત્રમાં પુત્રવધૂ અને સસરાનું મોત થયું છે જ્યારે પુત્રની હાલત ગંભીર છે. આર્થિક સંકડામણના કારણે પરિવારના મોભીએ જ શેરડીનો રસ લાવી તેમાં ઝેર ભેળવ્યું હતું. શેરડીનો રસ પીતા જ પત્ની અને પિતાનું કરૂણ મોત નીપજ્યું હતું. પુત્રએ પણ ઝેરયુક્ત શેરડીનો રસ પીતાં તેની હાલત નાજુક છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાત્રે ૯ઃ૩૦ વાગ્યે તરસાલીની નંદનવન સોસાયટીમાં રહેતા ચેતનભાઇ મોહનભાઈ સોની પોતાના પુત્ર આકાશને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા તેમણે હોસ્પિટલમાં જણાવ્યું હતું કે, શેરડીનો રસ પીધાના ત્રણ કલાક પછી આકાશને ઉલટી ચાલુ થઈ જતા સારવાર માટે લાવ્યો છું અને મારી પત્ની બિંદુએ શેરડીના રસમાં પોટેશિયમ સાઈનાઈડ ભેળવીને પીવડાવી દીધો હોવાનો લાગે છે.

મકરપુરા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ચેતનભાઇના પત્ની અને પિતાના અગાઉ અવશાન થયા હતા અને પોલીસને જાણ કર્યા વગર તેમણે અંતિમવિધિ પણ કરી દીધી હતી. પોલીસની ચેતનભાઇ પર શંકા જતા રાત્રે તેમને લઈને પોલીસ સ્ટેશન આવી હતી અને પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસ તેઓને ઘરે તપાસ કરવા માટે પણ લઈ ગઈ હતી. ચેતનભાઇને કેફિયત પરથી એવી શંકા જણાતી હતી કે, તેમણે જ પરિવારજનોને ઝેર પીવડાવી દીધું હોઈ શકે છે. પોલીસે તપાસ શરૂ કરતાં ચેતનભાઇએ પોલીસની નજર ચૂકવીને અન્ય રૂમમાં જઈને પોતે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

થોડા સમય પછી તેઓને પણ ઉલટી શરૂ થતા પોલીસને શંકા જતા તેઓ ચેતનભાઇને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા જ્યાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે પુછપરછ કરતાં મોભીની ઝેર આપ્યાની કબુલાત કરી હતી. આર્થિક સંકડામણને કારણે પગલું ભર્યાની કબુલાત પણ ચેતન સોનીએ કરી હતી. પોલીસે જ્યારે ચેતનભાઈની પૂછપરછ કરી હતી ત્યારે તેમણે પણ ઝેર પી લેતાં સયાજી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ચેતનભાઈ સામે ૩૦૨ની કલમ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઘર બહાર ઝાળીએ ચેતનભાઈના પિતા મનોહરભાઈ અને પત્ની બિંદુબેનનાં અસ્થિના કળશ બાંધેલા જોવા મળ્યા હતા.

Follow Me:

Related Posts