વડોદરામાં બંસલ મોલમાંથી તસ્કરો ડ્રાયફ્રૂટ્સ, કપડા સહિતની ચોરી કરી ફરાર
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા બંસલ મોલમાંથી તસ્કરોને રોકડ ન મળતા ડ્રાયફ્રૂટ્સ અને કપડા સહિત રૂપિયા ૫૨ હજારની ચીજવસ્તુઓ ચોરી ફરાર ગયા હતા. તસ્કરોએ સીસીટીવીના વાયર કાપીને ડીવીઆર તોડી નાખ્યું હતું. આ બનાવ અંગે મોલના વહીવટકર્તાએ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા બંસલ મોલને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. તસ્કરો મોલના પાછળના ભાગે આવેલા બાથરૂમની બારીના કાચ ખોલી મોલમાં પ્રવેશ્યા હતા અને મોલ સ્થિત સ્ટોરમાં જવાના દરવાજાનો કાચ તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોને મોલમાંથી રોકડ ન મળતા મોલમાંથી ૨૩ નંગ જીન્સના પેન્ટ, બદામના ૧૨ પેકેટ, અમૂલ ચીઝના ૨૦ પેકેટ, ફોર્મલ પેન્ટ, કપડા ભરવાની બેગ, ઈલાયચીના ૩૨ પેકેટ, કાજુના ૨૦ પેકેટ, ૭ જાેડી સ્પોર્ટ શૂઝ, અંડર ગારમેન્ટ, શર્ટ, અખરોટના ૩ પેકેટ અને આઇસક્રીમનો સમાવેશ થાય છે.
મોડી રાત્રે બંસલ મોલમાંથી વિવિધ ચિજવસ્તુઓની ચોરી થવાના બનેલા બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી છે. સવારે ચોરીના આ બનાવ અંગેની જાણ મોલના સત્તાવાળાઓને થતાં તુરંત જ મોલ ખાતે દોડી આવ્યા હતા. દરમિયાન મોલના સ્ટોર મેનેજરે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગોત્રી પોલીસે મોલમાંથી વિવિધ ચિજવસ્તુઓ ચોરી જનાર તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Recent Comments