fbpx
ગુજરાત

વડોદરામાં મંજળબજાર પાસેથી કચરા પેટીમાંથી શ્રમજીવી મહિલાનો મૃતદેહ મળ્યો

વડોદરા શહેરની મધ્યમાં આવેલા મંગળ બજાર પાસેની ઓક્ટ્રોય ઓફિસની બાજુમાં આવેલી કચરા પેટીમાંથી શ્રમજીવી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અને સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે કચરા પેટીમાંથી મળેલો મૃતદેહ કચરામાંથી પ્લાસ્ટિક વીણનાર મહિલાનો હોવાનું બહાર આવ્યું હતું.

વડોદરા શહેરના મંગળ બજાર ઓક્ટ્રોય ઓફીસની બાજુમાં કચરા પેટી આવેલી છે. આજે સવારે પાલિકાના કર્મીઓ નિત્યક્રમ મુજબ કચરો ઉઠાવવા પહોંચ્યા હતા. તે સમયે કચરાપેટીમાં મહિલાનો મૃતદેહ નજરે ચડતા ચોંકી ઉઠ્યા હતા અને તુરંત જ તેઓએ આ બનાવની જાણ સંબધિત પોલીસ વિભાગને કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આ સાથે સ્થાનિક લોકો પણ ઉમટી પડ્યા હતા અને કચરા પેટીની બાજુમાં પડેલા કચરાના ઢગલામાંથી મળેલા મહિલાના મૃતદેહે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.

આ ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર દોડી ગયેલી પોલીસે લાશનો કબજાે લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. બીજી બાજુ પોલીસે મળી આવેલા મહિલાના મૃતદેહ અંગે કરેલી પ્રાથમિક તપાસમાં આ મહિલાનું નામ ગૌરીબહેન ઉર્ફ ગવુ સોલંકી હોવાનું અને વડોદરાની જુનીગઢીના રહેવાસી હોવાનું જણાઇ આવ્યું હતું. તે સાથે પોલીસને સ્થાનિક લોકોની પૂછપરછ કરતા એવી પણ વિગત મળી હતી કે, આ મહિલા મંગળ બજાર વિસ્તારમાં પ્લાસ્ટિક વીણવા માટે આવતી હતી અને પ્લાસ્ટિક એકઠું કરી તેને વેચીને પોતાનું ગુજરાન ચલાવતી હતી.

Follow Me:

Related Posts