વડોદરામાં માણેજા ક્રોસિંગ પાસે હાઇડ્રા ક્રેનની અડફેટમાં આવતાં મોપેડ સવારનું મોત

ડી માર્ટમાં ખરીદી કરવા માટે જતા સિનિયર સિટિઝનને માણેજા ક્રોસિંગ પાસે હાઇડ્રા ક્રેનના ડ્રાઇવરે ટક્કર મારતા ગંભીર ઇજા થતા મોત થયું હતું. માણેજા વિન્ડસર કંપની સામે લક્ષ્મી નગર સોસાયટીમાં રહેતા ૭૨ વર્ષના સતિષભાઇ રાવજીભાઇ પટેલ આજે સવારે મોપડ લઇને ઘરેથી ડી માર્ટ જવા માટે નીકળ્યા હતા. સાડા નવ વાગ્યે તેઓ માણેજા ક્રોસિંગ નજીકથી પસાર થતા હતા. તે સમયે હાઇડ્રા ક્રેનના ડ્રાઇવરે પાછળથી તેઓને ટક્કર મારતા તેઓ ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. તેઓને માથામાં ગંભીર ઇજા થતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું.અકસ્માત કરીને હાઇડ્રા ક્રેનનો ડ્રાઇવર ક્રેન સ્થળ પર છોડીને ભાગી ગયો હતો. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments