ગુજરાત

વડોદરામાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં નશેબાજ રિક્ષા ચાલકે અન્ય રિક્ષા ચાલકએ સ્ટાફ સાથે ધક્કા મુક્કી કરી કોમ્પ્યુટરની તોડફોડ કરી

ગાંધીનગર ગૃહ પાસે નશેબાજ રિક્ષા ચાલકે અન્ય રિક્ષા ચાલકને માર મારતા મામલો રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. રિક્ષા ચાલકના સાથીદારે પોલીસ સ્ટેશનની દીવાલ સાથે માથું અફાળી કોમ્પ્યુટરની તોડફોડ કરી હતી. જે અંગે રાવપુરા પોલીસે કુલ ત્રણ ગુના દાખલ કર્યા છે. અલકાપુરી નવલખા કંપાઉન્ડમાં રહેતા રિક્ષા ડ્રાઇવર કાર્તિક પ્રહલ્લાદભાઇ એરવાલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે હું, મારા માતા – પિતા, પત્ની અને બહેન રિક્ષામાં દિવાળીની ખરીદી કરવા માટે મંગળબજાર ગયા હતા. રાતે સાડા આઠ વાગ્યે ગાંધીનગર ગૃહ પાસે પહોંચતા અમારી રિક્ષાની પાછળ એક રિક્ષા ચાલક અવાર – નવાર તેની રિક્ષા મારી રિક્ષા સાથે અથાડતો હતો. જેથી, મેં મારી રિક્ષા સાઇડ પર ઉભી રાખી તેની સાથે વાત કરવા જતો હતો.

તે રિક્ષાના ડ્રાઇવરે મને ધમકાવી મારી સાથે ઝપાઝપી શરૃ કરી હતી. મને મોંઢા પર ચાર થી પાંચ મુક્કા મારી દેતા હું નીચે પડી ગયો હતો. તેણે મારા કપડા ફાડી નાંખ્યા હતા. રિક્ષામાં બેસેલો અન્ય આરોપી લાકડી લઇને મને મારવા માટે દોડી આવ્યો હતો. પરંતુ, મારા પરિવારજનોએ દોડી આવી મને બચાવી લીધો હતો. મારી પાછળ તે બંને પણ પોલીસ સ્ટેશન આવ્યા હતા. રિક્ષા ચાલકનું નામ મહંમદતોસિફ મહંમદરશીદ સૈયદ તથા તેની સાથેના વ્યક્તિનું નામ જાવેદ સિદ્દીકભાઇ અરબ હોવાનું જાણવા મળ્યું હતું. રાવપુરા પોલીસ તેની કાર્યવાહી શરૃ કરતા જાવેદે ધમાલ કરવાનું શરૃ કર્યુ હતું. દીવાલ અને દરવાજા સાથે માથું અફાળીને બૂમો પાડી પોલીસ સાથે ધક્કા મુક્કી કરી હતી. તેમજ કોમ્પ્યુટરનું કી બોર્ડ પણ તોડી નાંખ્યું હતું. જેથી, પોલીસે જાવેદ સામે અલગથી ગુનો દાખલ કર્યો હતો. જ્યારે મહંમદતોસિફે દારૃનો નશો કર્યો હોવાનું જણાઇ આવતા તેની સામે પ્રોહિબીશનનો અલગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Related Posts