વડોદરામાં લકઝરી બસનો ટ્રેલર સાથે અથડાતા ૬નાં મોત, ૧૭ ઈજાગ્રસ્તને પતરાં કાપી બહાર કાઢયા
વડોદરામાં કપૂરાઈ ચોકડી પાસે રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ જતી લકઝરી બસ ઘઉં ભરેલા ટ્રેલર સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ૬ લોકોનાં મોત અને ૧૭ લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતમાં બે પુરુષ, ત્રણ મહિલા સહિત એક બાળકનું મોત થયું છે. ૪ ઓક્ટોબરના રોડ દરજીપુરા એરફોર્સ પાસે છકડોરિક્ષા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં ૧૦ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ બસ રાજસ્થાન ભીલવાડાથી મુંબઈ જતી હતી એ દરમિયાન સવારે ઘઉં ભરેલા ટ્રેલરને ઓવરટેક કરવા જતાં ગોઝારો અકસ્માત થયો છે. આ અકસ્માત બાદ ડ્રાઇવર ટ્રેલર લઇને સ્થળ પરથી ફરાર થઇ ગયો છે.
ખાનગી બસ સવારે ઓવરટેક કરવાની લાયમાં ઘઉં ભરેલા ટ્રેલરે ધડાકાભેર અથડાઈ હતી, જેને કારણે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. કપૂરાઇ ચોકડી પાસેના હાઇવે પર રફ ડ્રાઇવિંગ કરતા બસચાલકો અંગે વારંવાર ફરિયાદ કરતાં પણ આ અંગે કોઈ પગલાં લેવામાં આવતાં નથી. આ ગમખ્વાર અકસ્માત બાદ ખાનગી બસમાંથી મુસાફરોને બહાર કાઢવા માટે બસનાં પતરાં કાપવા પડ્યાં હતાં, જેના પરથી ખ્યાલ આવે કે બસ ઘણી જ સ્પીડમાં હશે અને ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હશે, જેને કારણે બસનો કુચડો થઈ ગયો છે.
Recent Comments