વડોદરામાં વિવાદિત ૪૬ પ્લોટ પાલિકા હસ્ત લેવા મેયરે જાહેરાત કરી
વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે કોર્પોરેશન ખાતે વનીકરણના બહાને ગ્રીન બેલ્ટના પ્લોટોની લ્હાણી કરવાના મુદ્દે હોબાળો મચાવ્યો હતો અને મેયરને આવેદનપત્ર આપ્યું હતું. આ દરમિયાન મેયર કેયુર રોકડિયાએ વિવાદિત ૪૬ પ્લોટ પાલિકા હસ્તક લેવાનો ર્નિણય કર્યો હતો.
વડોદરા કોર્પોરેશન દ્વારા વનીકરણના બહાને ગ્રીન બેલ્ટના પ્લોટો ફાળવવામાં આવ્યા હતા, તેમાં ગેરકાયદે બાંધકામ અને કોમર્શિયલ ઉપયોગ થયાની ફરિયાદ થતાં વિવાદ ઉભો થયો છે, ત્યારે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા મેયરને છોડ આપીને અનોખો વિરોધ કર્યો તો બીજી બાજુ કોંગ્રેસના અગ્રણી નિલેશ બ્રહ્મભટ્ટે મેયરની કાર ઉપર વૃક્ષારોપણ કરી અનોખો વિરોધ કર્યો હતો. મેયરને પાઠવેલા આવેદનપત્રમાં કોંગ્રેસ દ્વારા ગ્રીન બેલ્ટ વનીકરણના નામે કોર્પોરેશનની કરોડો રૂપિયાની જમીન રાજકીય અને વગ ધરાવતા વ્યક્તિઓને ખાનગી ઉપયોગ માટે ફાળવી દેવા સામે વિરોધ અને જૂના પ્લોટમાં ભ્રષ્ટાચારની તપાસ અને તમામ પ્લોટ કોર્પોરેશન હસ્તક કરવા માગણી કરવામાં આવી હતી.
જૂના ૪ પ્લોટની ફાળવણી જાેતાં આશ્ચર્ય થયું કે ફક્ત રાજકીય વ્યક્તિઓ કે વગદાર મળતિયા ટ્રસ્ટોને, ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યોએ, સાંસદસભ્યો વિગેરેને ફાળવેલા છે. જેની જમીનની કિમત ૨૦૦ કરોડથી વધારે થાય છે. કૌભાંડ અને આશ્ચર્યજનક બાબતએ બહાર આવી છે કે, આમાંથી ઘણા પ્લોટમાં વનીકરણ થયું નથી અને ગ્રીન બેલ્ટમાં ગેરકાયદેસર બાંધકામ કરી પોતાની ખાનગી પેઢીઓ/સંસ્થાઓ દ્વારા સેવાના નામે ગેરકાયદેસર રીતે કમાણી કરી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.
દરમિયાન આજે મેયર કેયુર રોકડિયાએ તમામ ૪૬ પ્લોટ પરત લઇ પાલિકા પોતે વૃક્ષારોપણ સહિતની એક્ટિવિટી કરશે તેમ જણાવ્યું હતું. સાથે સાથે અત્યાર સુધી પ્લોટ ઉપર સારી કામગીરી કરનારી સંસ્થા અને લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
Recent Comments