વડોદરામાં સયાજીગંજના એક કોમ્પ્લેક્સમાંથી ૧૦૦ કિલો ડ્રગ્સ ઝડપાયું
સિંધરોટની સીમમાં મહીસાગરના કાંઠે આવેલા ખેતરમાં ઊભી કરાયેલી ફેક્ટરીમાં એટીએસે રેડ કરી ૬૩ કિલો ૬૧૩ ગ્રામ એમડી ડ્રગ્સ અને એમડી ડ્રગ્સ બનાવવાનું ૮૦ કિલો ૨૬૦ ગ્રામ લિક્વિડ મટિરિયલ મળી રૂા.૪૭૮.૬૫ કરોડનો જથ્થો ઝડપ્યો હતો. જે બાદ સયાજીગંજમાં શરૂ કરેલી દુકાનમાંથી ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. ૨ ડ્રમ્સમાં ભરેલું ૧૦૦ કિલો જેટલું ડ્રગ્સ એટીએસ દ્વારા ઝડપી પડાયું હતું. જેની કિંમત અંદાજે રૂા.૫૦૦ કરોડ અંદાજાઈ રહી છે. જાેકે એફએસએલના રિપોર્ટ બાદ નક્કી થશે કે તે કયું ડ્રગ્સ છે. એટીએસની ટીમે સિંધરોટ ગામે દરોડો પાડી ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી.
જેમાં રૂા.૪૭૮.૬૫ કરોડનું ૬૩ કિલો ૬૧૩ ગ્રામ એમડી ડ્રગ્સ અને એમડી ડ્રગ્સ બનાવવાનું ૮૦ કિલો ૨૬૦ ગ્રામ લિક્વિડ મટિરિયલ મળ્યું હતું. એટીએસે સૌમીલ ઉર્ફે સેમ સુરેશચંદ્ર પાઠક (એવરેસ્ટ સોસાયટી, બાલાજી હોસ્પિટલ પાસે, સુભાનપુરા), શૈલેષ ગોવિંદભાઈ કટારિયા (ભાગ્યલક્ષ્મી સોસાયટી, રિફાઈનરી રોડ), વિનોદ ઉર્ફે પપ્પુ રમણભાઈ નિજામા (શ્રમમંદિર, સિંધરોટ), મો.શફી ઉર્ફે જગ્ગુ મિસ્કીન દિવાન (ફૈજલ પાર્ક, નડિયાદ) અને ભરત ભીમાભાઈ ચાવડા (પંચામૃત એપાર્ટમેન્ટ, ગોત્રી રોડ)ની ધરપકડ કરી હતી. ત્યારબાદ ૮ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપી ભરત ચાવડાની કબૂલાતના આધારે એટીએસે સુભાનપુરા સમતા ચાર રસ્તા પાસે એક સરકારી કંપનીના કમ્પાઉન્ડની પાછળ કચરાપેટી પાસે સંતાડેલો રૂા.૮.૮૫ કરોડનો ૧.૭૭૦ કિલો એમડીનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
ત્યારબાદ આરોપીને લઇને એટીએસે મંગળવારે સયાજીગંજ પાયલ કોમ્પ્લેક્સની બંધ દુકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં બે ડ્રમમાંથી ૧૦૦ કિલો ડ્રગ્સ મળ્યું હતું. એટીએસ દ્વારા તેનું એફએસએલ દ્વારા પરીક્ષણ કરાવાશે. આરોપીઓ દ્વારા પાયલ કોમ્પ્લેક્સમાં દુકાન ભાડે રખાઈ હતી. ભરત ચાવડાના પુત્ર હર્ષ મારફતે મેફેડ્રોન ભરેલી થેલી સાગરીત અશોક જીવણલાલ પટેલને આપી હતી. જે જથ્થો સમતા ચાર રસ્તા પાસે અશોક પટેલે છુપાવ્યો હતો. સિંધરોટમાં રેડ પડી છે તેવી ખબર પડતાં ભરત ચાવડાએ જથ્થો છુપાવ્યો હોવાનું સપાટી પર આવ્યું છે. અશોકની અટક કરાઈ હતી.
Recent Comments