ગુજરાત

વડોદરામાં સયાજી હોસ્પિટલના બહારના મીટરમાં આગ લાગતાં અફારાતફરી

વડોદરાની એસએસજી હોસ્પિટલના પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના એનઆઈસીયુની બહાર આવેલા મીટરમાં રાત્રે શોર્ટસર્કિટ થવાને કારણે ધડાકો થતાં આગ લાગી હતી. જાેકે આગ વધુ પ્રસરે એ પહેલાં ફાયરબ્રિગેડને જાણ કરાતાં લાશ્કરો દોડી આવ્યા હતા અને આગ બુઝાવી દીધી હતી. મીટરમાં ધડાકા સાથે આગ લાગતાં એનઆઈસીયુ.માં સારવાર લઈ રહેલાં ૩૫ જેટલાં બાળકોના પરિવારજનોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે એનઆઈસીયુનાં તમામ બાળકોને બીજા વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યાં હતાં. આ બનાવને પગલે અફરાતફરી મચી ગઇ હતી. સારવાર લઇ રહેલા બાળકની માતાએ જણાવ્યું હતું કે ધડાકો સંભળાતાં હું મારા સારવાર લઇ રહેલા પુત્રને લઇ વોર્ડની બહાર નીકળી ગઇ હતી. મળેલી માહિતી પ્રમાણે, સયાજી હોસ્પિટલમાં વોર્ડ નંબર-૧૭માં પીડિયાટ્રિક વિભાગ આવેલો છે. આ વોર્ડના બીજા માળે એનઆઈસીયુઆવેલો છે. આ વોર્ડમાં ૩૫ બાળક સારવાર લઇ રહ્યાં હતાં.

દરમિયાન રાત્રે એનઆઈસીયુની બહાર આવેલા મીટરમાં શોર્ટસર્કિટ થવાને કારણે ધડાકો થયો હતો અને લાઇટો બંધ થઇ ગઇ હતી. લાઇટો ગૂલ થતાં અને મીટરમાં સ્પાર્ક થવાને કારણે આગનાં તણખાં ઝરતાં વોર્ડમાં સારવાર લઇ રહેલાં નવજાત બાળકો સહિત ૧૦થી ૧૩ વર્ષની ઉંમરનાં બાળકોનાં માતા-પિતાના જીવ તાળવે ચોંટી ગયા હતા. એ સાથે વોર્ડમાં ફરજ બજાવતા તબીબો, નર્સો તેમજ અન્ય સ્ટાફમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. જાેકે મીટરમાં થયેલા શોર્ટસર્કિટને કારણે લાગેલી આગ વધુ પ્રસરે એ પહેલાં ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં આસિસન્ટન્ટ સબ ફાયર ઓફિસર ક્રિષ્ના સોલંકી સ્ટાફ સાથે ગણતરીની મિનિટોમાં દોડી ગયા હતા અને મીટરમાં થઇ રહેલા સ્પાર્કમાં પાણીમારો ચલાવી આગ બુઝાવી દીધી હતી. મીટરમાં સ્પાર્ક થવાના કારણે વીજપુરવઠો ખોરવાઇ જતા ફાયરબ્રિગેડના લાશ્કરોને બેટરીના અજવાળે કામગીરી કરવાની ફરજ પડી હતી. જાેકે ફાયરબ્રિગેડના લાશ્કરો દ્વારા બેટરીના અજવાળે પાણીમારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. ફાયરબ્રિગેડના આસિસન્ટન્ટ સબ ફાયર ઓફિસર ક્રિષ્ના સોલંકીએ જણાવ્યું હતું કે એનઆઈસીયુની બહાર લગાવવામાં આવેલા મીટરમાં સ્પાર્ક થયું હતું. મોટી આગ ન હતી. મીટરમાં પાણીમારો ચલાવી આગ બુઝાવી દેવામાં આવી છે.

કોઇ જાનહાનિ નથી. જાેકે ફાયરબ્રિગેડ આવે એ પહેલાં એનઆઈસીયુમાં સારવાર લઇ રહેલાં બાળકોને વોર્ડના સ્ટાફ તેમજ પરિવારજનો દ્વારા તમામ બાળકોને બીજા જનરલ વોર્ડમાં શિફ્ટ કરી દેવાયાં હતાં. વોર્ડની નર્સો અને તબીબો દ્વારા પણ નવજાત બાળકોને સાવચેતીપૂર્વક બીજા વોર્ડમાં લઇ ગયાં હતાં. કેટલાંક બાળકોને દવાની બોટલ ચાલતી હોવાથી તેમને ચાલુ બોટલો સાથે બીજા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. અફરાતફરી મચતાં કેટલાંક બાળકોએ રડવાનું શરૂ કરી દીધું હતું. આ બનાવને પગલે હોસ્પિટલમાં હાહાકાર મચી ગયો હતો. હોસ્પિટલના ઉચ્ચ તબીબો પણ દોડી આવ્યા હતા. બાળકની માતા ભૂમિબહેન સેલારે જણાવ્યું હતું કે આગનો બનાવ બીજા માળે બન્યો હતો. મારું બાળક ગ્રાઉન્ડ ફ્લોર વોર્ડમાં દાખલ છે. ધડાકો થતાં હું મારા બાળકને લઇ બહાર આવી ગઇ હતી. બીજા વોર્ડમાં દાખલ બાળકોનાં માતા-પિતા પણ વોર્ડમાંથી પોતાનું બાળક લઇ વોર્ડની બહાર આવી ગયાં હતાં. ધડાકો થતાં અમે ગભરાઇ ગયા હતા અને એમાં પણ ધડાકો થવાના કારણે વીજપુરવઠો ખોરવાઇ જતાં વધુ ગભરાઇ ગયા હતા. જાેકે થોડી જ વારમાં ફાયરબ્રિગેડે આવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં આવેલા પીડિયાટ્રિક વિભાગમાં બીજા માળે મીટર બોક્સમાં ધડાકા સાથે આગ લાગી હતી. આ સમયે પીડિયાટ્રિક વિભાગમાં ૩૫થી વધુ બાળકોને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં. આગ લાગતાં જ સ્ટાફનો પણ જીવ પડીકે બંધાઈ ગયો હતો. જાેકે સારવાર લઈ રહેલાં બાળકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સ્ટાફ દ્વારા સમયસૂચકતા વાપરતાં મોટી દુર્ઘટના ટળી હતી.

Related Posts